સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત તોફાનોને લગતા તમામ કેસ બંધ કર્યા, કહ્યુ – હવે સુનાવણીનો કોઈ અર્થ નથી

0
97
સુપ્રીમે ઝાકિયાની અરજી ફગાવી હતી
સુપ્રીમ કોર્ટે વર્ષ 2002માં થયેલા તોફાનોને લગતા તમામ કેસ બંધ કરવા માટે આદેશ કર્યો છે. ચીફ જસ્ટિસ યૂયૂ લલિતની બેન્ચે કહ્યુ હતુ કે, હવે આ મામલે સુનાવણી કરવાનો કોઈ અર્થ થતો નથી.

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે 2002માં ગુજરાતમાં થયેલા તોફાનોને લગતા બધા જ કેસ બંધ કરવાનો આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ યૂયૂ લલિતની બેન્ચે કહ્યુ હતુ કે, આટલા લાંબા સમય બાદ હવે સુનાવણી કરવાનો કોઈ અર્થ નથી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના તોફાનો સાથે જોડાયેલી અરજી દાખલ કરવામાં આવી હતી. તે મામલે કોર્ટે કહ્યુ હતુ કે, ગુજરાતના તોફાનો સાથે જોડાયેલા 9માંથી 8 કેસમાં નીચલી અદાલત ચુકાદો સંભળાવી ચૂકી છે. મહત્ત્વનું છે કે, નરોડા ગામ સાથે જોડાયેલા કેસની સુનાવણી હજુ ચાલી રહી છે. ત્યારે આ હવે સુપ્રીમ કોર્ટે આ મામલાને લગતા તમામ કેસ બંધ કરી દીધા છે.27 ફેબ્રુઆરી, 2002ના દિવસે થયેલા ગોધરાકાંડ બાદ ગુજરાતમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. અમદાવાદના લઘુમતી સમુદાયની વસતીવાળી ગુલબર્ગ સોસાયટીને ઉપદ્વવીઓએ નિશાન બનાવી હતી. ત્યારે તેમાં રહેતા ઝાકિયા જાફરીના પતિ, કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરી સહિત કુલ 69 લોકો માર્યા ગયા હતા. તેમાંથી 38 લોકોના મૃતદેહ મળ્યા હતા અને જાફરી સહિત 31 લોકોને લાપતા ગણાવ્યા હતા.સુપ્રીમ કોર્ટે વર્ષ 2008માં ગુજરાત રમખાણ મામલે તપાસ કરવા SITની રચના કરી હતી. SITએ આ કેસમાં થયેલી તમામ સુનાવણીનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ ઝાકિયાની ફરિયાદ પણ એસઆઇટીને આપવામાં આવી હતી. તે કેસમાં પણ એસઆઇટીએ નરેન્દ્ર મોદીને ક્લિનચીટ આપી હતી. તે પછી વર્ષ 2011માં ફરીવાર સુપ્રીમ કોર્ટના આદેશથી SITના મેજિસ્ટ્રેટને ક્લોઝર રિપોર્ટ આપવામાં આવ્યો હતો. ફરી એકવાર વર્ષ 2013માં ઝાકિયાએ ક્લોઝર રિપોર્ટ સામે વિરોધ કરતી અરજી કરી હતી. મેજિસ્ટ્રેટે તે ફગાવી દીધી હતી. ત્યારબાદ ઝાકિયાએ ગુજરાત હાઈકોર્ટમાં પણ અરજી કરી હતી. તે મામલે વર્ષ 2017માં ગુજરાત હાઇકોર્ટે મેજિસ્ટ્રેટના ચુકાદાને યથાવત્ રાખ્યો હતો. ત્યારબાદ ઝાકિયાએ હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો અને અંતે આજે સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણને લગતા તમામ કેસ બંધ કરવાનો આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ યૂયૂ લલિતે હમણાં થોડા દિવસ પહેલાં જ સુપ્રીમ કોર્ટના 49મા ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા હતા. આ તેમનો પહેલો હાઇપ્રોફાઇલ કેસ છે જેમાં તેમની બેન્ચે આદેશ આપ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટના નવા CJI તરીકે ઉદય ઉમેશ લલિત ઉર્ફે યૂ.યૂ. લલિતને CJI પદના શપથ લેવડાવ્યાં હતા. પૂર્વ ચીફ જસ્ટિસ ઓફ સુપ્રીમ કોર્ટ એન.વી. રમણાએ તેમનું નામ રાષ્ટ્રપતિને મોકલ્યું હતું. ત્યારબાદ દ્રૌપદી મુર્મુએ તેમના નામ પર મહોર મારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here