USમાં ઈલેકટ્રોનિકસ સામાનની નિકાસ વધારવાની તક ઝડપવામાં ભારત નિષ્ફળ

0
68

– ચીનના માલ પર જંગી ડયૂટીથી અમેરિકા ખાતે તેની નિકાસમાં ઘટાડો

અમેરિકા દ્વારા ચીનના મુખ્ય ઈલેકટ્રોનિકસ સાધનો પર લાગુ કરાયેલી ૨૫ ટકા ડયૂટીને પરિણામે અમેરિકામાં ઈલેકટ્રોનિકસ માલસામાનની નિકાસ વધારવાની ઊભી થયેલી તકને ઝડપવામાં ભારત નિષ્ફળ રહ્યું છે જ્યારે ભારતના ટચુકડા હરિફ દેશો નિકાસ વધારવામાં સફળ રહ્યા છે એમ પ્રાપ્ત આંકડા પરથી કહી શકાય છે.

ચીનના ઈલેકટ્રોનિકસ માલસામાન પર અમેરિકાએ ૨૦૧૮માં ૨૫ ટકા સજાત્મક ડયૂટી લાગુ કરી છે, જેને કારણે ચીનનો માલ મોંઘો પડતા અમેરિકામાં ૨૦૧૮થી ૨૦૨૨ના ગાળામાં ચીનના ઈલેકટ્રોનિકસ માલસામાનની નિકાસમાં ૨૯ અબજ ડોલર જેટલો ઘટાડો થયો છે. 

ઈન્ડિયન સેલ્યુલર ઈલેકટ્રોનિક એસોસિએશનના આંકડા પર નજર નાખતા જણાય છે, કે ૨૦૨૨માં સમાપ્ત થતા ચાર વર્ષમાં અમેરિકા ખાતે ભારતના ઈલેકટ્રોનિકસ માલસામાનની નિકાસ  માત્ર ૩.૨૦ અબજ ડોલર વધી ૪.૫૦ અબજ ડોલર  પર પહોંચી શકી છે.
આ ગાળામાં ભારતના હરિફ દેશો જેમ કે મલેશિયાની ઈલેકટ્રોનિક નિકાસ અમેરિકામાં ૭.૯૦ અબજ ડોલર વધી  ૩૬.૭૦ અબજ ડોલર રહી  હતી જ્યારે મેક્સિકોની ૨૦.૪૦ અબજ ડોલર  વધી ૮૯.૬૦ અબજ ડોલર તથા વિયેતનામની ૩૯ અબજ ડોલર વધીને ૫૧.૪૦ અબજ ડોલર રહી હતી. 
૨૦૨૨માં અમેરિકાની ઈલેકટ્રોનિકસ આયાતમાં ભારતનો હિસ્સો માત્ર ૦.૮૦ ટકા રહ્યો હતો. અમેરિકા તથા ચીન વચ્ચે તાણભર્યા સંબંધોને કારણે ભારત સહિત વિશ્વના અનેક દેશોને અમેરિકામાં નિકાસ વધારવાની તક મળી છે. 
અમેરિકાએ ચીનના જે ઈલેકટ્રોનિકસ માલસામાન પર જંગી ડયૂટી લાગુ કરી છે તેમાં ભારત નિકાસ વધારી શકી હોત, પરંતુ તે શકય બન્યુ નહીં હોવાનું જણાવી ઈન્ડિયન સેલ્યુલર ઈલેકટ્રોનિક એસોસિએશન દ્વારા ભારત સરકારને આ મુદ્દે ઘટતું કરવા ભલામણ કરવામાં આવી છે, એમ એસોસિએશનના સુત્રોએ જણાવ્યું હતું. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here