અમેરિકામાં દેવાની ટોચમર્યાદા અંગે અનિશ્ચિતતા વચ્ચે સોનાચાંદી મક્કમ

0
34

– રૂપિયા સામે ડોલર મજબૂત જ્યારે પાઉન્ડ તથા યુરો નબળા પડયાઃ

– ક્રુડ તેલમાં ધીમો સુધારો

અમેરિકામાં દેવાની ટોચમર્યાદા વધારવા સંબંધિત હજુપણ અસમંજસની સ્થિતિ રહેતા વૈશ્વિક કિંમતી ધાતુના ભાવમાં મક્કમતા જોવા મળી હતી. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સોનાચાંદીના ભાવમાં સાધારણ વૃદ્ધિ જોવાઈ હતી. ગયા સપ્તાહના અંતની સરખામણીએ ક્રુડ તેલમાં સુધારો રહ્યો હતો. ઘરઆંગણે ફોરેકસ માર્કેટમાં વૈશ્વિક ચલણો સામે રૂપિયામાં મિશ્ર પ્રવાહ રહ્યો હતો.

મુંબઈ સ્થાનિક બજારમાં  ૯૯.૯૦ સોનાના દસ ગ્રામના  જીએસટીવગરના  ભાવ  જે ગયા સપ્તાહના અંતે  રૂપિયા ૬૦૯૬૪ રહ્યા હતા તેની સરખામણીએ  નવા  સપ્તાહના પ્રથમ દિવસે સાધારણ વધી રૂપિયા ૬૧૨૦૮  રહ્યા હતા.  ૯૯.૫૦ના દસ ગ્રામ દીઠ  ભાવ રૂપિયા ૬૦૯૬૩ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર ભાવ  રૂપિયા ૭૨૦૪૦ની  સરખામણીએ વધી રૂપિયા ૭૨૪૫૫ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા રહ્યા હતા.
અમદાવાદ બજારમાં ૯૯.૯૦ સોનાના દસ ગ્રામના ભાવ રૂપિયા ૬૩૨૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામના ભાવ રૂપિયા ૬૩૦૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ કિલો દીઠ રૂપિયા ૭૩૨૦૦ બોલાતી હતી. 
અમેરિકામાં દેવાની ટોચમર્યાદા વધારવાની બાબતે ઊભી થયેલી મડાગાંઠને કારણે વૈશ્વિક કિંમતી ધાતુના ભાવ મક્કમ રહ્યા હતા. દેવાની મર્યાદા વધારવા બાબતે રાજકીય મડાગાંઠ સર્જાવાની ચિંતાએ અમેરિકામાં ઉપભોગતાનું માનસ ખરડાયું હોવાના અહેવાલ હતા. ટોચમર્યાદા વધારવામાં નિષ્ફળતાના કિસ્સામાં અમેરિકા તેની વિવિધ ચૂકવણીમાં ડીફોલ્ટ જઈ શકે જેને પરિણામે અર્થતંત્રમાં  નાણાંકીય ચિંતા ઊભી થઈ શકે છે. આવી સ્થિતિમાં સેફ હેવન તરીકે ફન્ડ હાઉસો દ્વારા સોનામાં આકર્ષણ રહ્યું હતું. વિશ્વ બજારમાં સોનું મોડી સાંજે ઔંસ દીઠ ૨૦૧૭ ડોલર જ્યારે ચાંદી પ્રતિ ઔંસ ૨૪.૦૬ ડોલર બોલાતી હતી. 
ક્રુડ તેલના રિઝર્વમાં વધારો કરવા અમેરિકા  દ્વારા નવેસરથી ખરીદી નીકળવાની ધારણાં તથા ઓપેક દ્વારા ઉત્પાદન કાપને કારણે પૂરવઠા પર તાણને પગલે વૈશ્વિક ક્રુડ તેલના ભાવ પણ સપ્તાહના પ્રથમ દિવસે મક્કમ જળવાઈ રહ્યા હતા. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ તેલ બેરલ દીઠ ૭૦.૪૯ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ પ્રતિ બેરલ ૭૪.૬૪ ડોલર બોલાતું હતું.
વૈશ્વિક ચલણોમાં રૂપિયા સામે ડોલર ૧૩ પૈસા વધી ૮૨.૩૦ રૂપિયા રહ્યો હતો જ્યારે પાઉન્ડ ૪૯ પૈસા ઘટી ૧૦૨.૪૪ રૂપિયા તથા યુરો ૩૬ પૈસા ઘટી ૮૯.૨૯ રૂપિયા બોલાતો હતો. ડોલર ઈન્ડેકસ ૧૦૨.૪૮ સાથે સાધારણ નરમ જોવાતો હતો. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here