આજથી ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ , રાજ્યપાલ ગૃહને સંબોધશે, આવતીકાલે બજેટ રજૂ કરાશે

0
39

આવતીકાલે નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે, વિધાનસભા સત્રના 25 દિવસમાં 27 બેઠકો મળશે

વિધાનસભા સ્પીકર શંકરચૌધરીએ પરિસરમાં સાફ-સફાઈ હાથ ધરી

ગુજરાત વિધાનસભાનું સત્ર આજથી શરૂ થવા જઈ રહ્યું છે.  બપોરે 12 વાગ્યે રાજ્યપાલના સંબોધન સાથે સત્રની શરૂઆત કરાશે. રાજ્યપાલના આભાર પ્રસ્તાવ બાદ શોકદર્શક ઉલ્લેખ રજૂ થશે. તેના પછી પૂર્વ રાજ્યપાલ ઓ.પી કોહલી, રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી રમણભાઈ ચૌધરી, પૂર્વ સભ્ય નારણભાઈ પટેલ, દાઉદભાઈ પટેલ તથા મહિપતસિંહ જાડેજા તથા હરેશકુમાર ભટ્ટને શ્રદ્ધાંજલિ આપવામા આવશે. તેના પછી મંજૂરી મળેલા બિલ રજૂ કરાશે. આવતીકાલે નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે. વિધાનસભા સત્રના 25 દિવસમાં 27 બેઠકો મળશે. આ દરમિયાન ગુજરાત વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીએ વિધાનસભા પરિસરની સાફ-સફાઈ હાથ ધરી હતી
50 ટકા જેટલા ધારાસભ્યો પહેલીવાર ગૃહમાં હાજર રહેશે 
આ સત્રમાં પચાસ ટકા જેટલા ધારાસભ્યો એવા હશે કે જે પ્રથમવાર જ ગૃહમાં હાજરી આપશે. નવોદિત ધારાસભ્યો માટે પ્રથમ બજેટ સત્ર શરૂ થાય પૂર્વે ગઈકાલે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી હતી. તેમાં 25 દિવસના વિધાનસભા સત્ર દરમિયાન હાથ ધરવાના કામ પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી. આ સત્રમાં પેપરલીક મામલે તૈયાર થયેલું બિલ પહેલા જ દિવસે ગૃહમાં રજૂ કરવામાં આવશે તેવી ચર્ચા છે. ગુજરાત જાહેર પરીક્ષા ગેરરીતિ અટકાવવા બાબતનું વિધેયક ગૃહમાં રજૂ કરાશે. પેપરલીક બિલ મામલે વિપક્ષ ગૃહમાં સરકારને ઘેરી શકે છે. 
કોંગ્રેસને વિધાનસભા વિપક્ષનું પદ નહીં 
કોંગ્રેસે બજેટસત્રના આગલા દિવસે એટલે શુક્રવારે વિધાનસભામાં હોદ્દેદારોની વરણી કરી છે. જેમાં દંડક, ઉપદંડક, ખજાનચી અને પ્રવક્તાની નિમણૂક કરવામાં આવી છે. વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડાને દંડક બનાવવામાં આવ્યાં છે. જ્યારે ઉપ દંડક તરીકે કિરીટ પટેલ, વિમલ ચુડાસમા, ઈમરાન ખેડાવાલાની વરણી કરવામાં આવી છે. દિનેશભાઈ ઠાકોરને કોંગ્રેસના ખજાનચી બનાવવામાં આવ્યા છે. જ્યારે ડો.તુષાર ચૌધરી, જીગ્નેશ મેવાણી, ગેનીબેન ઠાકોર, અનંત પટેલ અને કાંતિભાઈ ખરાડીની પ્રવક્તા તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આજે શરૂ થનારા વિધાનસભાનું સત્રમાં વિપક્ષનાં કોઇ નેતા જ નહીં હોય. સરકારે કોંગ્રેસને વિપક્ષના નેતાનું પદ આપવા માટે તૈયારી બતાવી નથી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here