જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતા તારાજી રાજસ્થાનમાં વીજળી પડતાં બેનાં મોત

0
91
– હિમાચલમાં પૂર ઃ પંજાબની બસના ૧૧ પ્રવાસી હજુ લાપતા
– જમ્મુના અખનૂરમાં ૧૦૫ લોકોને બચાવાયા, ચિનાબ નદીમાં પૂર આવતાં અનેક મકાનો ધોવાયા-સેંકડો એકર જમીન ડૂબમાં

– ગાઝિયાબાદમાં હિન્ડન નદીમાં પૂર આવતાં ૫૦ને સલામત સ્થળે ખસેડાયા

મૂશળધાર વરસાદના કારણે અનેક રાજ્યોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આવા સમયે જમ્મુ-કાશ્મીરના કુપવારામાં પણ વાદળ ફાટવાના કારણે આવેલા પૂરમાં અનેક વાહનો તણાઈ ગયા છે તેમજ અનેક મકાનોને નુકસાન પહોંચ્યું છે. બીજીબાજુ રાજસ્થાનમાં વીજળી પડતાં બે લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે યમુના અને હિન્ડન નદીમાં પૂર આવતાં ફરી દિલ્હી-એનસીઆરમાં અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. દરમિયાન કર્ણાટકમાં દુષ્કાળની આશંકા વચ્ચે વરસાદથી ખેડૂતોને રાહત થઈ છે.

જમ્મુ-કાશ્મીરના કૂપવારામાં વાદળ ફાટવાથી પૂર આવતા અનેક વાહનો તણાઈ ગયા છે અને અનેક મકાનો તથા પુલને નુકસાન થયું છે. વધુમાં પૂરના કારણે ખેતરોમાં ઊભા પાકને પણ નુકસાન થયું છે. પૂરના પ્રવાહમાં શિમરિયાલ ગામમાં એક પુલ તણાઈ ગયો હતો. જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં પણ મૂશળધાર વરસાદ થઈ રહ્યો છે. આ સમયે અહીં સેંકડો લોકો ફસાયા છે. બચાવ ટીમે અત્યાર સુધીમાં ૧૦૫ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડયા છે. અખનૂરમાં મૂશળધાર વરસાદના કારણે ચિનાબ નદીમાં અચાનક પૂર આવ્યું હતું, જેને પગલે સેંકડો એકર જમીન ડૂબમાં ગઈ હતી.

બીજીબાજુ રાજસ્થાનમાં વીજળી પડવાની બે અલગ અલગ ઘટનાઓમાં એક ખેડૂત રાધાશ્યામ મળી અને એક ભરવાડ પ્રકેશ ગુર્જરનાં મોત નીપજ્યાં હતા. વધુમાં વીજળી પડવાની અન્ય એક ઘટનામાં ૩૫ બકરીનાં મોત થયા હતા. 

દરમિયાન હિમાલચ પ્રદેશમાં મૂશળધાર વરસાદનો કેર ચાલુ રહ્યો છે. હિમાચલમાં પંજાબ સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસના ૧૧ પ્રવાસીઓ હજુ પણ લાપતા છે. આ બસ ૧૦મી જુલાઈએ મનાલીમાં બિયાસ નદીમાં તણાઈ ગઈ હતી. ઉત્તર પ્રદેશના આ પ્રવાસીઓ ૯મી જુલાઈએ ચંડીગઢથી રવાના થયા હતા, પરંતુ બિયાસ નદીમાં બસ તૂટેલી હાલતમાં મળી આવી હતી અને પ્રવાસીઓ લાપતા હતા.

બીજીબાજુ દિલ્હીમાં ફરી એક વખત યમુના નદીમાં પૂર આવ્યું છે. યમુનાની સાથે હિન્ડન નદીમાં પૂર આવતા દિલ્હી-એનસીઆરના અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. હિન્ડન નદીમાં પૂર આવતાં ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ૫૦ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

આખા દેશમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે કર્ણાટકમાં દુષ્કાળની સ્થિતિ સર્જાવાની ભીતી હતી. પરંતુ હવે કર્ણાટકના અનેક વિસ્તારોમાં પણ ે વરસાદ પડતાં ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. 

દક્ષિણ કન્નડ, ઉત્તર કન્નડ, ચિકમંગલૂરુ, ઉડુપી અને કોડાગુ જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડયો હતો. 

છેલ્લા બે મહિનામાં અપૂરતા વરસાદના કારણે અહીં દુષ્કાળ જેવી સ્થિતિની આશંકા હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here