નરેન્દ્ર મોદીની ‘મન કી બાત’એ સદી પૂરી કરી .

0
29
– દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારીત થતો રેડિયો કાર્યક્રમ
– ૫૦ વર્ષ પહેલા મેં ઘર એટલે નહોતું છોડયું કે લોકોથી દૂર થઇ જાઉ, હું જનતાથી ક્યારેય દૂર થવા નથી માગતો ઃ વડાપ્રધાન

-‘મન કી બાત’ મારા માટે દેશની જનતા સાથે જોડાવાનો આધ્યાત્મિક માર્ગ ઃ મોદી
– ‘મન કી બાત’ના રેકોર્ડિંગ સમયે અનેક વખત ભાવૂક થયો તેથી કાર્યક્રમને ફરી રેકોર્ડ કરવો પડયો હોય એવુ પણ બન્યું ઃ મોદી
– દેશભરમાં ૪ લાખ સ્થળે પ્રસારણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમે ૧૦૦ એપિસોડ પૂર્ણ કરી લીધા હતા. જે નિમિત્તે દેશભરમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું. મોદીએ ૧૦૦માં એપિસોડમાં શિક્ષણ, નારીશક્તિ, સંસ્કૃતિ વગેરે વિશે વાત કરી હતી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે મારા માટે મન કી બાત એ માત્ર કોઇ કાર્યક્રમ નથી પણ લોકોની સાથે જોડાવાનો એક આધ્યાત્મિક માર્ગ છે. મોદીએ કહ્યું હતું કે મન કી બાત કાર્યક્રમના રેકોર્ડિંગ દરમિયાન ઘણી વખત હું ભાવુક પણ થયો હતો, જેથી ફરી રેકોર્ડિંગ કરવું પડે તેવું પણ બન્યું હતું. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમના ૧૦૦માં એપિસોડનું ૩૦મી એપ્રીલે પ્રસારણ કરવામાં આવ્યું હતું. સંબોધનની શરૂઆતમાં મોદીએ કહ્યું હતું કે મારા માટે મન કી બાત માત્ર એક કાર્યક્રમ નહીં પણ આસ્થા, પૂજા, વ્રત છે. જે રીતે લોકો ઇશ્વરની પૂજા કરવા માટે જાય છે ત્યારે પ્રસાદીનો થાળ લઇ જાય છે તેવી જ રીતે મારા માટે મન કી બાત ઇશ્વર રૂપી જનતાનો આશીર્વાદ મેળવવાનો છે. ૧૦૦માં મન કી બાત કાર્યક્રમમાં મોદીએ કહ્યું હતું કે હું જનતાથી ક્યારેય પણ દૂર થવા નથી માગતો. જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે લોકોને મળવાનું થતું હતું, જોકે ૨૦૧૪માં દિલ્હી આવ્યા બાદ સુરક્ષાના કારણોસર ઘણી સાવચેતી રાખવી પડી. અલગ જવાબદારીઓ મળી અને સુરક્ષાની તામજામ, એવામાં મન કી બાત કાર્યક્રમ મારા માટે જનતા જનાર્ધન સાથે વાત કરવાની સુવર્ણ તક લઇને આવ્યો છે. 

મોદીએ કહ્યું હતું કે મન કી બાત કાર્યક્રમ દ્વારા અમે અનેક મુદ્દાઓને દેશ જ નહીં વિદેશો સુધી પણ પહોંચાડયા છે. સેલ્ફી વિથ ડોટર અભિયાન વૈશ્વિક મંત્ર બન્યો હતો. આ ઉપરાંત હરિયાણામાં જેંડર રેશિયોંમાં સુધારો પણ મન કી બાત કાર્યક્રમમાં જાગરૂકતા અભિયાન સાબિત થયો. ૧૦૦માં કાર્યક્રમમાં મોદીએ સામાજિક પરિવર્તન લાવનારાઓની સાથે વાતચીત કરી હતી. અડધો કલાકના આ કાર્યક્રમ દરમિયાન શિક્ષણ, સંસ્કૃતિ, સ્વચ્છતા, નારીશક્તિ, રોજગારી, રમતગમતની વાત કરી હતી. 

તેમણે કહ્યું હતું કે ૩ ઓક્ટોબર, ૨૦૧૪ના રોજ વિજયદશમીએ મન કી બાત કાર્યક્રમની શરૂઆત થઇ હતી. આ કાર્યક્રમે મને ક્યારેય જનતાથી દૂર નથી થવા દીધો. દિલ્હી આવ્યા બાદ મને લાગ્યું કે અહીંનુ જીવન અલગ છે. શરૂઆતના દિવસોમાં મને ખાલી ખાલી લાગ્યું, ૫૦ વર્ષ પહેલા મે  મારુ ઘર એટલા માટે નહોતુ છોડયું કે હું મારા પોતાના જ દેશના નાગરિકોથી દૂર થઇ જાવ. હું જનતાથી ક્યારેય દૂર થવા નથી માગતો.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમના ૧૦૦માં એપિસોડનું પ્રસારણ દેશમાં આશરે ચાર લાખ સ્થળોએ કરવામાં આવ્યું હતું. મન કી બાત કાર્યક્રમની શરૂઆત ૩ ઓક્ટોબર, ૨૦૧૪ના રોજ થઇ હતી, આકાશવાણી, દૂરદર્શન ઉપરાંત ખાનગી ચેનલો પર પણ તેનું પ્રસારણ કરવામાં આવે છે. મોદીના મન કી બાત કાર્યક્રમને દેશની આશરે ૨૩ ભાષામાં પ્રસારીત કરાય છે. ૨૦૧૬માં તેનું અંગ્રેજીમાં પ્રસારણ પણ શરૂ કરાયું હતું. આ ઉપરાંત સંસ્કૃતમાં પણ તેનુ પ્રસારણ થાય છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here