પાક. ફરી આતંકી હુમલાથી ધણધણ્યું 40થી વધુનાં મોત, 200 ઘાયલ

0
24
પાકિસ્તાનમાં સત્તાધારી સરકારના ગઠબંધનમાં સામેલ પક્ષના એક કાર્યક્રમમાં મોટો વિસ્ફોટ થયો હતો. જેને પગલે ૪૦થી વધુ લોકો માર્યા ગયા હતા અને ૨૦૦થી પણ વધુ ઘાયલ થયા છે. અફઘાનિસ્તાનની સરહદે આવેલા ખાર શહેરમાં આ મોટો ધમાકો થયો હતો. અહીંયા જમીયત ઉલેમા-એ ઇસ્લામ પક્ષના અનેક કાર્યકર્તાઓ એકઠા થયા હતા. આ પક્ષ પાક.ની વર્તમાન સરકારને સમર્થન આપી રહ્યો છે. કાર્યક્રમ ચાલી રહ્યો હતો એવામાં અચાનક મોટો ધમાકો થયો હતો. આ વિસ્ફોટ એટલો ખતરનાક હતો કે સમગ્ર વિસ્તાર લોહીલુહાણ થઇ ગયો હતો. હુમલામાં પક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓ પણ માર્યા ગયા છે. 
સ્થાનિક ઇમર્જન્સી ઓફિસર સાદ ખાને જણાવ્યું હતું કે આ હુમલામાં પક્ષના નેતા મૌલાના ઝિયાઉલ્લાહ જાન પણ માર્યા ગયા છે. આ હુમલામાં સ્થળ પર જ ૪૦ જેટલા લોકો માર્યા ગયા હતા. જ્યારે ૨૦૦થી વધુ ઘાયલ થયા છે તેમાં અનેકની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. હુમલામાં કેટલાક પત્રકારો પણ ઘાયલ થયા છે. આ કાર્યક્રમમાં હાજર રહીમ શાહે જણાવ્યું હતું કે જ્યારે આ હુમલો થયો ત્યારે કાર્યક્રમના ટેન્ટમાં ૫૦૦થી વધુ લોકો હાજર હતા. અમે લોકો ભાષણ સાંભળી રહ્યા હતા એવામાં જ આ મોટો ધમાકો થયો હતો. અને ચારેય તરફ અફડા તફડી મચી ગઇ હતી. 
જે જેયુઆઇ-એફ પક્ષના કાર્યક્રમને આતંકીઓ દ્વારા નિશાન બનાવવામાં આવ્યો તેના વડા મૌલાના ફલઝુર રેહમાને જણાવ્યું હતું કે અમે આ સમગ્ર મામલાની વડાપ્રધાન શાહબાઝ શરીફ પાસેથી રિપોર્ટ માગી છે. સાથે જ કાર્યકર્તાઓને બ્લડ ડોનેશન માટે હોસ્પિટલ જવાની પણ તેમણે અપીલ કરી હતી. વડાપ્રધાન શાહબાઝ શરીફે આતંકીઓ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે. કુરાન, પાકિસ્તાન અને ઇસ્લામ માટે અવાજ ઉઠાવનારાઓને આતંકીઓએ નિશાન બનાવ્યા છે. આતંકવાદીઓ પાકિસ્તાનના દુશ્મન છે અને તેનો ખાતમો કરવામાં આવશે. પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ કહ્યું હતું કે આતંકીઓ દરેકના દુશ્મન છે. સ્વાતની જેમ સમગ્ર પાકિસ્તાનમાંથી આતંકીઓનો સફાયો કરવાની જરૂર છે. 
પાકિસ્તાનમાં તાલિબાન-પાકિસ્તાન નામના આતંકી સંગઠન દ્વારા અવાર નવાર હુમલા કરવામાં આવી રહ્યા છે. જોકે આ હુમલા પાછળ ક્યા આતંકી સંગઠનનો હાથ છે તેની તપાસ ચાલી રહી છે. આઇએસ દ્વારા પણ હુમલો કરવામાં આવ્યો હોવાની શક્યતાઓ છે. હાલ જે પક્ષના કાર્યક્રમ પર હુમલો થયો છે તેને અગાઉ આઇએસઆઇએસ દ્વારા નિશાન બનાવવામાં આવી ચુક્યો છે. આઇએસએ ગયા વર્ષે કહ્યંુ હતું કે જેયુઆઇએફ એક ધાર્મિક સંગઠન હોવા છતા તે સરકાર અને સૈન્યને સમર્થન આપી રહ્યું છે. અમે તેના દરેક કાર્યક્રમો પર હુમલા કરીશું.  
તાજેતરમાં તાલિબાનના શાસનવાળા અફઘાનિસ્તાનની પાકિસ્તાન સરહદે તાલિબાની આતંકીઓ વધુ સક્રિય જોવા મળી રહ્યા છે. જે પ્રાંતમાં હુમલો થયો છે તે અફઘાનિસ્તાનની સરહદે આવેલો છે. પાકિસ્તાન સરકાર અને તાલિબાની આતંકીઓ વચ્ચે વાતચીત સ્થગિત થઇ ગઇ તે બાદથી પાક.માં સરહદી વિસ્તારોમાં હુમલા વધી ગયા છે. પાકિસ્તાન ઇન્સ્ટિટયૂટ ફોર કોન્ફ્લિક્ટ એન્ડ સિક્યોરિટીના રિપોર્ટમાં દાવો કરાયો છે કે પાકિસ્તાનમાં આ વર્ષે માત્ર છ મહિનામાં જ થયેલા વિવિધ આતંકી હુમલામાં ૩૮૯ લોકોએ જીવ ગુમાવ્યો છે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here