રાહુલને સજા આપનારા સહિતના ગુજરાતના 68 જજોના પ્રમોશન સામે સુપ્રીમમાં અરજી

0
37
– બે જ્યૂડિશિયલ ઓફિસરની અરજીની 8મીએ સુનાવણી 
– જજોની નિમણુંક સમયે 65 ટકા અનામત, મેરિટ કમ સીનિયોરિટીના નિયમનું પાલન ન થયાનો સુપ્રીમમાં દાવો

– આ કોર્ટમાં મામલો ચાલી રહ્યો હોવા છતા સરકારે પ્રમોશન ઓર્ડર કેમ બહાર પાડયો : સુપ્રીમ નારાજ થઇ હતી

ગુજરાતના નીચલી કોર્ટના ૬૮ જજોના પ્રમોશનને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યું છે. અને પ્રમોશનમાં નિયમોનું ઉલ્લંઘન કરાયું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જે જજોના પ્રમોશનને પડકારવામાં આવ્યું છે તેમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને દોષી ઠેરવીને બે વર્ષની સજા આપનારા એચએચ વર્માનો પણ સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટમાં ગુજરાતના ૬૮ જજોના પ્રમોશનને પડકારતી અરજી બે સીનિયર સિવિલ જજ કેડરના જ્યૂડિશિયલ ઓફિસર રવિ કુમાર મહેતા અને સચિન મહેતા દ્વારા કરવામાં આવી છે.

અરજીમાં બન્નેએ માગણી કરી છે કે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ૧૦મી માર્ચે જાહેર કરાયેલી પ્રમોશન લિસ્ટને રદ કરી દેવામાં આવે અને ગુજરાત સરકાર દ્વારા આ મુદ્દે બહાર પડાયેલા નિમણુંકના નોટિફિકેશનને પણ રદ કરી દેવામાં આવે કેમ કે આ પ્રમોશનમાં નિયમોનું ઉલ્લંઘન કરાયું છે. અરજદારોએ દાવો કર્યો હતો કે જિલ્લા જજની નિમણુંક સમયે મેરિટ કમ સીનિયોરિટીના સિદ્ધાંતને ધ્યાનમાં રાખવાનો હોય છે. જ્યારે આ નિમણુંકમાં આ નિયમોનું પાલન નહોતુ કરવામાં આવ્યું માટે સુપ્રીમ કોર્ટ ગુજરાત હાઇકોર્ટને કહે કે તે મેરિટ અને વરિષ્ઠતા (સીનિયોરિટી)ના આધાર પર જ્યૂડિશિયલ ઓફિસરની યાદી બહાર પાડે અને અગાઉ બહાર પાડેલી યાદી પરત લે. બન્ને અરજદારોનો દાવો છે કે ૨૦૦માંથી ૧૩૫.૫ અને ૧૪૮.૫ માર્ક્સ પ્રાપ્ત કર્યા હતા, આ પરીણામ આવ્યું હોવા છતા એવા ઉમેદવારોને જિલ્લા જજ બનાવવામાં આવ્યા કે જેઓને ઓછા માર્ક્સ મળ્યા હતા.  

જે પણ જજોના પ્રમોશનને પડકારાયું છે તેમાં રાહુલ ગાંધીને માનહાનીના કેસમાં સજા આપનારા જજ હરીશ હસમુખ વર્મા (એચએચ વર્મા)નો પણ સમાવેશ થાય છે. જજ એચએચ વર્માએ રાહુલ ગાંધીને સજા આપતા રાહુલ ગાંધીએ સાંસદનું પદ ગુમાવ્યું હતું. જે મુદ્દે હાલ રાહુલ ગાંધી ગુજરાત હાઇકોર્ટની શરણે ગયા છે. બીજી તરફ જજોના પ્રમોશનને પડકારતી અરજીની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એમઆર શાહ અને અહસાનુદ્દિન અમનુલ્લાહની બેંચ દ્વારા ૮મી મેએ સુનાવણી કરવામાં આવશે. આ પહેલા સુપ્રીમ કોર્ટે બે ન્યાયીક અધિકારીઓની અરજી પર ૧૩મી એપ્રીલે રાજ્ય સરકાર અને ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલને નોટિસ પાઠવી હતી, સાથે જ ૬૮ અધિકારીઓને પ્રમોશન માટે ૧૮મી એપ્રીલે કરવામાં આવેલા નિર્ણયને લઇને નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આ મામલો કોર્ટ સમક્ષ હોવા છતા આ નિર્ણય કેમ લેવામાં આવ્યો હતો.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here