રુપીમાં વેપાર કરવા બાવીસ દેશોની બેન્કોએ વોસ્ટ્રો એકાઉન્ટસ ખોલાવ્યા

0
30

– નવી વ્યવસ્થાથી ડોલરની માગમાં ઘટાડો થવાની અપેક્ષા

ડોલરમાં વેપાર વ્યવહાર ઘટાડવાના ભાગરૂપ  વિશ્વના બાવીસ દેશોની બેન્કોએ  ભારતની બેન્કોમાં ખાસ રુપી વોસ્ટ્રો એકાઉન્ટસ ખોલાવ્યા હોવાનું સંસદમાં જણાવાયું હતું. આંતરરાષ્ટ્રીય બેન્કિંગની આવશ્યકતા ધરાવતા ખાતેદારોને સ્થાનિક બેન્કો  વોસ્ટ્રો એકાઉન્ટસ મારફત આંતરરાષ્ટ્રીય બેન્કિંગ સેવા પૂરી પાડી શકે છે.

નવી વ્યવસ્થાથી આવનારા વર્ષોમાં ડોલરની માગમાં ઘટાડો થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
રાજ્ય કક્ષાના નાણાં પ્રધાન રાજકુમાર રંજન સિંહે લોકસભામાં એક લેખિત પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું કે, આ યંત્રણાના  અમલ માટે  વહીવટી પ્રક્રિયાને સરળ બનાવવા સરકાર વેપાર સમુદાય સાથે ચર્ચાવિચારણા કરી રહી છે.
જે દેશોની બેન્કોએ વોસ્ટ્રો ખાતા ખોલાવ્યાછે તેમાં મુખ્યત્વે જર્મની, મોરિસિયસ, ન્યુઝીલેન્ડ, રશિયા, શ્રીલંકા, યુકે, મલેશિયા વગેરેનો સમાવેશ થાય છે.
રુપી વ્યવહાર મારફત  વિશ્વ વેપાર વધારવાના ભાગરૂપ રિઝર્વ બેન્કે ગયા વર્ષે ખાસ યંત્રણા ઊભી કરી હતી. આ યંત્રણા બાદ રુપીનું આંતરરાષ્ટ્રીયકરણ ગતિ પકડી રહ્યું છે.  
ભારત વિશ્વમાં ઝડપથી વિકસતુ અર્થતંત્ર છે એટલું જ નહીં અનેક મોટા પડકારો સામે તેણે સ્થિતિસ્થાપકતા દર્શાવી હોવાનું ધ્યાનમાં રાખતા ભારતીય રૂપિયો તેના આંતરરાષ્ટ્રીયકરણની ક્ષમતા ધરાવે છે એમ ભારતીય રૂપિયાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા પગલાં સૂચવવા માટેની રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની  સમિતિ માની રહી હોવાનું તાજેતરમાં એક રિપોર્ટમાં જણાવાયું હતું. 
આંતરરાષ્ટ્રીય વેપારમાં ઈન્વોઈસિંગ તથા સેટલમેન્ટસમાં રુપીના વ્યાપક ઉપયોગથી આ ચલણને વૈશ્વિક સ્તરે વ્યાપક હાજરી મળી રહેશે, એવો પણ મત વ્યકત કરવામાં આવી રહ્યો છે.   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here