વડોદરામાં હોડી ડૂબતા 13 વિદ્યાર્થી અને બે શિક્ષિકા સહિત 15ના મોત, કેન્દ્ર દ્વારા રૂ. બે લાખ અને રાજ્ય સરકાર દ્વારા રૂ. ચાર લાખના વળતરની જાહેરાત, પરિવારજનોનું હૈયાફાટ રૂદન

0
140
માંડ 10-12 લોકોની ક્ષમતા ધરાવતી હોડીમાં 25 લોકોને બેસાડ્યા હોવાનો પણ આરોપ

વડોદરા : વડોદરાના હરણી તળાવમાં વિદ્યાર્થીઓને લઈને જતી એક હોડી પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં કુલ 13 વિદ્યાર્થી અને બે શિક્ષક સહિત કુલ 15 લોકોના મોત થયાના અહેવાલ છે. હાલ ફાયર બ્રિગેડ દ્વારા બચાવ અભિયાન ચાલી રહ્યું છે. બચી ગયેલા અન્ય વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે. ઘટના સ્થળે 10 એમ્બ્યુલન્સ પણ પહોંચી ગઈ છે અને ત્યાં પણ બચાવની કામગીરી ચાલુ છે. જ્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા જવાના રવાના છે. વડોદરાના હરણી તળાવમાં હોડી ડૂબી જતાં થયેલા મૃત્યુથી હું વ્યથિત છું. આશા છે કે, ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જશે. સ્થાનિક તંત્ર દ્વારા પીડિતોને શક્ય તમામ મદદ પહોંચાડાઈ રહી છે. વડાપ્રધાન ફંડમાંથી દરેક મૃતકના પરિવારને રૂ. બે લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય અપાશે.  વડોદરામાં હોડી ડૂબવાની ઘટનાનો તાગ મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી હાલ ત્યાં જવાના રવાના થયા છે. આ ઉપરાંત રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને રૂ. ચાર લાખના વળતરની પણ જાહેરાત કરી છે.  હરણી તળાવમાં હોડી ચલાવવાનો કોન્ટ્રાક્ટ કોટિયા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ લિમિટેડના પરેશ શાહ નામની વ્યક્તિ પાસે હોવાની વિગતો સામે આવી છે. શિક્ષકો-વિદ્યાર્થીઓ ભરેલી હોડી ડૂબી જવાની ઘટનામાં સેવઉસળની લારીવાળો હોડી ચલાવી રહ્યો હોવાના પણ અહેવાલો મળ્યા છે. હાલ ઘટનાસ્થળે પૂરજોશમાં રેસ્ક્યુ અભિયાન ચાલી રહ્યું છે. હાલ મળતા અહેવાલો મુજબ છ બાળકો અને એક શિક્ષક હજુ લાપતા હોવાની આશંકા સેવાઈ છે. મૃતક વિદ્યાર્થીઓની ઓળખ સકીના શેખ, મુઆવજા શેખ, આયત મન્સૂરી, રેહાન ખલીફા, વિશ્વા નિઝામ, જુહાબિયા સુબેદાર, આયેશા ખલીફા અને નેન્સી માછી તરીકે થઈ છે. જ્યારે મૃતક શિક્ષિકાઓની ઓળખ છાયા પટેલ અને ફાલ્ગુની સુરતી તરીકે થઈ છે. હરણી તળાવની દુર્ઘટના વિશે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, ‘વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત દુઃખદ છે. પરમકૃપાળુ પરમાત્મા તેઓના પરિવારજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું.’ તો શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફૂલ પાનસેરિયાએ પણ જણાવ્યું છે કે ‘આ ઘટનાના જવાબદારોને છોડવામાં નહીં આવે.’  મળતી માહિતી અનુસાર, વડોદરાની ન્યૂ સન રાઈઝ સ્કૂલના 82 વિદ્યાર્થી હરણી તળાવની મુલાકાતે પહોંચ્યા હતા, જેમાંથી 23 વિદ્યાર્થી અને ચાર શિક્ષક નૌકાસવારી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક હોડીએ પલટી મારી જતા વિદ્યાર્થીઓ તળાવમાં ડૂબી ગયા હતા. ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક સ્થળ પર ટીમ દોડી આવી હતી. હાલ બાળકોને બચાવવાનું અભિયાન ચલાવાઈ રહ્યું છે. આ ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ સાથે કલેક્ટર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘X’ પર સંવેદના વ્યક્ત કરી છે. તેમણે લખ્યું છે કે ‘વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જીવ ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપી છે.’ આ ઘટના અંગે હાજર રહેલા શિક્ષકોએ કોટિયા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ લિમિટેડના કોન્ટ્રાક્ટર પર આક્ષેપો કર્યા હતા કે ‘હોડીની ક્ષમતા દસથી 12 બાળકની હતી. આમ છતાં તેમણે 25થી વધુ બાળકો એક જ હોડીમાં બેસાડ્યા હતા અને વજન વધી જતા આ અકસ્માત સર્જાયો હતો.’ આ અંગે કોન્ટ્રાક્ટરે જણાવ્યું છે કે, ‘અમે વધુ બાળકો નહોતા બેસાડ્યા. આ ઉપરાંત તેમને લાઈફ જેકેટ પણ પહેરાવવામાં આવ્યા હતા.’  આ અંગે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે ‘હોડી પલટી ગયાની જાણકારી મેળવાઈ રહી છે. આ બનાવ કેવી રીતે બન્યો તેની સંપૂર્ણ તપાસ પછી જવાબદાર કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરાશે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here