35 દિવસના ઉનાળુ વેકેશનનું સમાપન, આજથી શૈક્ષણિક સંસ્થાઓ પુનઃ ધમધમશે

0
109
ગોહિલવાડમાં ૩૫ દિવસના ઉનાળુ વેકેશન બાદ આવતીકાલ તા.૫ જુનને સોમવારથી પુન શૈક્ષણિક સંસ્થાઓ ધમધમતી થઈ જશે અને ફરી શૈક્ષણિક કેમ્પસ વિદ્યાર્થીઓના શોરબકોરથી ગૂંજતા થઈ જશે. ગ્રીષ્મકાલીન વેકેશનમાં મોટા ભાગના સ્થળોએ રમત-ગમતના સાધનોનું સ્થાન મોબાઈલ અને કોમ્પ્યુટરએ છીનવી લેતા દેશી રમતો વિસરાયેલી જોવા મળી હતી.

ભાવનગર શહેર અને જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમાં ગત એપ્રિલ માસના આખરી સપ્તાહમાં વાર્ષિક પરીક્ષાઓ સંપન્ન થતાની સાથે જ ગત ૧ મે થી સત્તાવાર રીતે ૩૫ દિવસના ઉનાળુ વેકેશનનો પ્રારંભ થયો હતો. તે સાથે જ સ્થાનિક સામાજિક, સ્વૈચ્છિક, ધાર્મિક, શૈક્ષણિક તેમજ સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિવિધ સ્થળોએ જ્ઞાાનવર્ધક પ્રવૃતિઓથી સભર નિવાસી અને બિન નિવાસી સમર કેમ્પનો પ્રારંભ કરાયો હતો. આ સમર કેમ્પ દરમિયાન યોગ, પ્રાણાયામ, તરણ, કરાટે, જુડો, સ્કેટીંગ, ચિત્રકામ , પેપર કોલાઝ, ગ્લાસ પેઈન્ટિંગ, રંગપુરણી, પર્સનાલિટી ડેવલોપમેન્ટ, નૃત્યકલા, ગાયન,વાદન અને સાંગીતીક સહિતની અઢળક પ્રવૃતિઓ અને સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં ભૂલકાઓથી લઈને કોલેજ કક્ષાના છાત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જયારે ગણેશ ક્રિડાંમડળ, વિરભદ્ર,ઘોઘાસર્કલ, સહિતના અનેક અખાડાઓ રધમધમતા રહ્યા હતા.જયારે પ્રાચીન દેશી રમતો ભૂલાઈ ગઈ હતી.રમતગમતના સાધનોનું સ્થાન મોબાઈલ, આઈપેડ,હેડફોન, લેપટોપ અને કોમ્પ્યુટરએ છીનવી લેતા  આધુનિક યુગના બાળકોએ તેના માધ્યમથી જ વેકેશનનો ટાઈમપાસ કર્યો હતો.જયારે અનેક પરિવારો ઐતિહાસિક,ધાર્મિક સ્થળોના પ્રવાસે નિકળી ગયા હતા. દરમિયાન  વેકેશનના અંતિમ રવિવારે જિલ્લાના કોળીયાક, કુડા, હાથબ,ગોપનાથ,  ઉંચા કોટડા,  મહુવામાં ભવાની મંદિર સહિતના દરિયાકાંઠાના પર્યટન પ્રાકૃતિક સ્થળોએ તેમજ રાજપરા ખોડીયાર, બગદાણા ગુરૂઆશ્રમ, ભગુડા મોગલ માતાજી મંદિર સહિતના ધર્મસ્થાનકોમાં નોંધપાત્ર ભીડ દ્રશ્યમાન થઈ હતી.  વેકેશનના અંતિમ તબકકામાં સ્ટેશનરીના વિક્રેતાઓને ત્યાં ગ્રાહકોની પ્રમાણમાં સારી એવી ભીડ જોવા મળી હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here