શાહરુખની ‘પઠાણ’ ફિલ્મથી વિદ્યાર્થીઓના માનસ પર ખરાબ અસર પડશે, શૈક્ષિક મહાસંઘની ફિલ્મ પર પ્રતિબંધની માગ

0
66
25 જાન્યુઆરીએ ફિલ્મની રીલિઝ અટકાવવા માગ
ફિલ્મ પર પ્રતિબંધ મૂકી કડક કાર્યવાહીની માગ

અમદાવાદ : બોલિવૂડની ફિલ્મ પઠાણ આગામી 23 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. ત્યારે આ ફિલ્મનું સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમથી ટ્રેલર અને ગીત લોન્ચ થયું છે, જેને લઈને અત્યારે દેશભરમાં વિવાદ ચાલી રહ્યો છે. ઠેર ઠેર અનેક સંગઠનો દ્વારા ફિલ્મ અને તેનાં ગીતોનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ આ ફિલ્મ રીલિઝ ના થાય તે માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે મુખ્યમંત્રીને પત્ર લખીને માગ કરી છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલું સંગઠન છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને જણાવ્યું છે કે, આગામી 25 જાન્યુઆરીએ પઠાણ ફિલ્મ રીલિઝ થવાની છે. આ ફિલ્મના ટ્રેલર અને ગીતનાં દૃશ્યો જોતાં તેમાં અશ્લીલતાથી ભરપૂર દૃશ્યો અને સમાજના પ્રત્યેક વર્ગની લાગણી દુભાઈ તે રંગના કોસ્ચ્યૂમ તેમજ અન્ય બાબતો છે. જે સમગ્ર ભારતના વિદ્યાર્થીઓના માનસ તથા સમાજ પર અત્યંત ખરાબ અસર ઊભી કરે તેમ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલમાં લાવીને શિક્ષણના સમન્વય દ્વારા ભારતીય સંસ્કૃતિનું જતન કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે ત્યારે આ ફિલ્મથી ભારતીય સંસ્કૃતિને પણ ઠેસ પહોંચી છે. આ ફિલ્મ સમાજ માટે ઘાતક છે, સરકાર તથા સામાજિક સંસ્થાની વર્ષોની મહેનત પર આવી ફિલ્મ કઠોરાઘાત કરી સંસ્કાર સિંચનને અટકાવે છે. નિમ્નકક્ષાની આવી ફિલ્મનું નિર્માણ કરતા ફિલ્મ પ્રોડ્યુસર, ડિરેક્ટર અને કલાકારોની ફિલ્મ પર સદંતર પ્રતિબંધ મૂકી કડક સંદેશ આપવા જોઈએ. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાષ્ટ્રીય સ્વયંક સેવક સંઘ સાથે જોડાયેલી સંસ્થા છે. શૈક્ષિક સંઘ એ RSSની ભગિની સંસ્થા તરીકે કામ કરે છે. શૈક્ષિક સંઘના વિચારો પણ RSSના વિચારો સાથે સહમત થતાં વિચારો છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આંગણવાડીનાં બાળકોથી લઈને યુનિવર્સિટીના અધ્યાપકો માટે કામ કરે છે. રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના અધ્યક્ષ ભીખાભાઇ પટેલે જણાવ્યું હતું કે, પઠાણ ફિલ્મથી વિરોધ એટલા માટે છે કે તેમાં કેસરી કલરનાં કપડાં છે. કેસરી કલર એ શૌર્યતા અને દેશના ત્રિરંગાનો કલર છે. આ કલર સાથે અશ્લીલતા ના શોભે, અત્યારે અનેક બાળકો સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. ફિલ્મના કારણે બાળકોના માનસ પર ગંભીર અસર પડી શકે છે. ખરેખરમાં નવી શિક્ષણ નીતિ મુજબ સંસ્કૃતિનું જતન કરવાનું છે, પરંતુ આ પ્રકારનાં દૃશ્યોથી સંસ્કૃતિનું જતન થઈ શકે નહીં, માટે અમે ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે. અમે વિદ્યાર્થીઓ માટે અગાઉ અનેક પ્રશ્નોને લઈને સરકારમાં રજૂઆત કરી ચૂક્યા છીએ અને હજુ પણ કરતા રહીશું. રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના મહામંત્રી મિતેષ ભટ્ટે જણાવ્યું હતું કે, અમે બાળકોના સંસ્કાર સિંચન માટે કામ કરતા હોઇએ છીએ. આ ફિલ્મનાં દૃશ્યો દ્વારા વિદ્યાર્થીઓનું માનસ ભટકે છે. ઓનલાઇન પ્લેટફોર્મના કારણે મુશ્કેલી પડે જ છે. નાટ્ય સંસ્કૃતિમાં 9 પ્રકારના રસ છે, આ ફિલ્મમાં એક જ પ્રકારના રસ છે, મારામારી અને આ પ્રકારનાં દૃશ્યો છે. આ ફિલ્મ પરિવાર સાથે પણ ના જોઈ શકાય તેમ છે, તો બાળકોને કેવી રીતે જોવાય. અગાઉ OTT પ્લેટફોર્મ અંગે પણ અમે રજૂઆત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here