લાલચના કારણે દેશમાં ભ્રષ્ટાચાર કેન્સરની જેમ વકર્યો : સુપ્રીમ

0
86
 –
બંધારણીય કોર્ટોનું દેશના લોકો પ્રત્યે કર્તવ્ય, ભ્રષ્ટાચાર ડામવા આકરી કાર્યવાહી કરે
– બંધારણના ઘડવૈયાઓના ઊંચા આદર્શોના પાલન અને નૈતિક મૂલ્યોનું ઝડપથી થતું પતન શરમજનક : સુપ્રીમ
નવી દિલ્હી : વધુ ને વધુ ધન કમાવાની લાલચે ભ્રષ્ટાચારને કેન્સરનો જેમ આખા દેશમાં પ્રસાર કરી દીધો છે. બંધારણીય કોર્ટોનું દેશના લોકો પ્રત્યે કર્તવ્ય છે કે તે ભ્રષ્ટાચાર પ્રત્યે શૂન્ય સહનશીલતા દર્શાવે અને ગૂનેગારો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરે તેમ સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું. સુપ્રીમે ઉમેર્યું કે, સંપત્તિનું સમાન વિતરણ હાંસલ કરવાનો પ્રયત્ન કરી ભારતના લોકો માટે સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવા માટે બંધારણના ‘પ્રસ્તાવના વચનો’ને હાંસલ કરવામાં ભ્રષ્ટાચાર મોટો અવરોધ છે.
ન્યાયાધીશ એસ. રવીન્દ્ર ભટ અને ન્યાયાધીશ દીપાંકર દત્તાની બેન્ચે છત્તીસગઢ હાઈકોર્ટના એક આદેશને રદ કરતા આ ટીપ્પણી કરી હતી. છત્તીસગઢ હાઈકોર્ટે રાજ્યના પૂર્વ પ્રિન્સિપલ સેક્રેટરી અમન સિંહ અને તેમના પત્ની વિરુદ્ધ આવક કરતાં વધુ સંપત્તિ ધરાવવાના આરોપમાં નોંધાયેલી એફઆઈઆર રદ કરી દીધી હતી.
બેન્ચે કહ્યું કે, ભ્રષ્ટાચાર એક એવી બીમારી છે, જેની હાજરી જીવનના દરેક ક્ષેત્રમાં છે. હવે તે શાસનની પ્રવૃત્તિઓના ક્ષેત્ર સુધી મર્યાદિત નથી રહી. વધુ દુઃખદ બાબત એ છે કે જવાબદાર નાગરિકો કહે છે કે આ તેમના જીવનની એક રીત બની ગઈ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે આખા સમાજ માટે શરમજનક વાત છે કે આપણા બંધારણના ઘડવૈયાઓના મનમાં જે ઊંચા આદર્શ હતા, તેનું પાલન કરવામાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને સમાજમાં નૈતિક મૂલ્યોનું ઝડપથી પતન થઈ રહ્યું છે.
બેન્ચે જણાવ્યું હતું કે જો ભ્રષ્ટાચારી કાયદો લાગુ કરનારાને છેતરવામાં સફળ થાય છે તો તેમની સફળતા પકડાવાના ડરને પણ ખતમ કરી દે છે. તેઓ એવા અભિમાનમાં ડૂબેલા રહે છે કે નિયમ અને કાયદો વિનમ્ર નશ્વર લોકો માટે છે તેમના માટે નહીં. તેમના માટે પકડાવું એ પાપ છે.
હિન્દુ ધર્મનો ઉલ્લેખ કરતાં બેન્ચે કહ્યું કે, હિન્દુ ધર્મમાં લાલચને એવા સાત પાપોમાંની એક ગણાવી છે, જેની અસરો પ્રબળ હોય છે. ભ્રષ્ટાચારના મૂળ પકડવા માટે કોઈ ચર્ચાની જરૂર નથી. દેશમાં કૌભાંડો તરફ લોકોનું વધારે ધ્યાન જાય છે, પરંતુ હકીકતમાં ત્યાર પછીની તપાસ અને પૂછપરછ વધુ મહત્વના છે. સમય જતાં મોટા ને વધુ મોટા કૌભાંડો બહાર આવી રહ્યા છે ત્યારે શું આ ચલાવી લેવું જોઈએ? હકીકતમાં ભ્રષ્ટ સરકારી કર્મચારીઓને શોધીને તેમને સજા કરવી એ જ ભ્રષ્ટાચાર નિવારણ કાયદાનો હેતુ છે. 
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારના કેન્સરને વધતું અટકવવા માટે યોગ્ય કાયદો છે અને તેમાં ૧૦ વર્ષ સુધીની મહત્તમ સજાની જોગવાઈ પણ છે તેમ છતાં વર્તમાન સમયમાં ભ્રષ્ટાચારને નાબૂદ કરવો એ અકલ્પ્ય સાબિત થઈ રહ્યું છે. આવા સમયે બંધારણીય કોર્ટોએ તેમની જવાબદારી નીભાવવી જોઈએ.
છત્તિસગઢમાં પૂર્વ પ્રિન્સિપાલ સેક્રેટરીની મુશ્કેલી વધી
ભાજપના શાસનના કદાવર અધિકારી અમન સિંહ સામે તપાસનો માર્ગ મોકળો
– અમન સિંહ નવેમ્બર 2022માં અદાણી જૂથમાં જોડાયા અને એનડીટીવીના ડિરેક્ટર બન્યા હતા
છત્તિસગઢમાં ભાજપના શાસનમાં કદાવર અધિકારી રહેલા પૂર્વ પ્રિન્સિપાલ સેક્રેટરી અમન કુમાર સિંહની મુશ્કેલીઓ વધી છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે તેમની સામે ભ્રષ્ટાચારના એક કેસમાં હાઈકોર્ટનો ચૂકાદો પલટીને તેમના વિરુદ્ધની તપાસનો માર્ગ મોકળો કર્યો છે. આ સાથે સુપ્રીમ કોર્ટે દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવા માટે બંધારણીય કોર્ટોને આકરી કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું.
છત્તિસગઢના પ્રિન્સિપાલ સેક્રેટરી અમન કુમાર સિંહ ભાજપના તત્કાલીન મુખ્યમંત્રી રમણ સિંહના માનીતા અધિકારી હતા. જોકે, છત્તિસગઢમાંથી ભાજપનું શાસન જતાં અમન કુમાર સિંહ અને તેમના પત્ની યાસ્મિન સિંહ સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ છત્તિસગઢ હાઈકોર્ટે ફગાવી દીધો હતો અને કહ્યું કે, અમન કુમાર સિંહ સામેની કાર્યવાહી કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ છે. જોકે, સુપ્રીમ કોર્ટે શુક્રવારે હાઈકોર્ટનો ચુકાદો ઉથલાવી નાંખતા કહ્યું હતું કે, ધન સંપત્તિની અતિ લાલચે દેશમાં ભ્રષ્ટાચારને કેન્સરની માફક ફેલાવી દીધો છે.
અમનકુમાર સિંહ ભૂતપૂર્વ ભારતીય રેવન્યુ સર્વિસ અધિકારી છે. તેઓ છત્તિસગઢમાં રમણસિંહના નેતૃત્વની ભાજપ સરકારના શક્તિશાળી અમલદાર હતા. તેમણે મુખ્યમંત્રીના પ્રિન્સિપાલ સેક્રેટરીકે કામ કર્યું હતું. જોકે, તેઓ નિવૃત્તિ પછી નવેમ્બર ૨૦૨૨માં અદાણી ગૂ્રપમાં કોર્પોરેટ બ્રાન્ડ કસ્ટોડિયન અને કોર્પોરેટ અફેર્સના વડા તરીકે જોડાયા હતા અને અદાણીએ એનડીટીવી પર નિયંત્રણ મેળવતા તેમને તેમાં ડિરેક્ટર તરીકે નિયુક્ત કરાયા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here