પાક વીમાની કરોડોની જાહેરાતો પણ ખેડૂતોને નથી ચૂકવાયા 295 કરોડ

0
156
પ્રજાકીય સુવિધાને બદલે પોસ્ટરો પાછળ પૈસાનો ધૂમાડો
તેલના ભાવની ઘાણીમાં પ્રજા પીસાય છે : પોલીસ પગાર સરકારનો ખાય, વફાદારી બૂટલેગરની

નવી દિલ્હી : ગુજરાતના રાજકારણ, શહેરો અને ગામડાઓની ક્રાઇમની ઘટનાઓ, પંચાયતથી લઇને વિધાનસભા સુધીની ખાસ માહિતી, મોંઘવારી અને રોજગારીના પ્રશ્નોની વાચા, કૌભાંડ અને કૌભાંડીઓનો પર્દાફાશ, રાજનેતા અને સરકારી બાબુઓના અંદરની વાત…. આવી તમામ મોટી ખબરો દર સોમવારે ‘ઑફબિટ’માં વાંચો. રાજ્યના ઘણા ખેડૂતોને અતિવૃષ્ટિ અને વાવાઝોડાંને કારણે થયેલી પાક હાનિ પેટે વળતર ચૂકવાયું નથી. સરકારના કહેવાથી ખેડૂતોએ પાક વીમા પેટે તેમના ભાગે આવતું પ્રિમિયમ ભર્યું હતું પરંતુ વીમા કંપનીઓએ હાથ અદ્ધર કરી દીધાં છે, કેમ કે સરકાર અને વીમા કંપનીઓ વચ્ચે સાંઠગાંઠ હોવાની ચર્ચા છે. સરકાર દ્વારા પાક વીમા લેવા માટે મોટાપાયે જાહેરાતો કરવામાં આવી હતી. તે વખતે જાહેરાતો કરીને અને પોસ્ટરો છપાવીને કરોડોની કટકીની કમાણી મંત્રીઓ, અધિકારીઓ અને વચેટીયાઓએ કરી લીધી. તેની પાછળ કરોડોના ધુમાડા કરી નાખ્યા. સરકારને સિદ્ધિનો સ્વાર્થ નિકળી ગયો એટલે યોજના બંધ કરી દીધી. હાલત એવી થઈ છે કે, કરોડનું પ્રિમિયમ ભર્યા બાદ પણ જગતના તાતની દશા માઠી છે. ખેડૂતોની 295 કરોડ પાક વીમાના લેણાની રકમ વીમા કંપનીઓ દબાવીને બેઠી છે અને સરકાર કશું જ કરતી નથી. રાજ્યમાં વિકાસની અને મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરની માત્ર વાતો જ થઈ રહી છે. તેના ઉપર જોઈએ તેવું કામ થતુંય નથી અને થાય છે તો તેમાં મોટાપાયે ખાઈકી અને ભ્રષ્ટાચાર જ થતા હોય છે. સરકાર વાતો 23મી સદી સુધીની કરે છે પણ શાળાઓ, હોસ્પિટલો, સરકારી કચેરીઓ અને ગામડાઓની પણ કચેરીઓની હાલત 18મી સદી જેવી છે. ગમે ત્યારે છત પડે, ગમે ત્યારે દીવાલ પડી જાય અને ક્યાંક તો આખેઆખું મકાન પડી જાય તેવી સ્થિતિ છે પણ સરકારને તો પ્રસિદ્ધિ અપાવતા પોસ્ટરો પાછળ કરોડો ખર્ચવામાં રસ છે. માત્ર સારા સારા રોડ બનાવવા કે પછી મોટો મોટા બ્રિજ બનાવવાથી વિકાસ થતો નથી. દર વર્ષે સરકારી કચેરીઓ, જિલ્લાપંચાયતની કચેરીઓ, શાળાઓ અને સરકારી હોસ્પિટલોના સમારકામ માટે કરોડો ફળવાય છે પણ તેમાંથી મોટાભાગના ભ્રષ્ટાચારીઓના ખિસ્સામાં જાય છે, તે ઉપરાંત કેટલાક જાહેરાતોના પોસ્ટરોમાં અને પછી કંઈ વધે તો પ્રજાની પાયાની જરૂરિયાત પૂરી કરવા માટે વપરાય છે. ગણેશઉત્સવ, નવરાત્રી અને દિવાળી જેવા મોટા તહેવારો પહેલાં જ સિંગતેલના ભાવોમાં બેફામ વધારો શરૂ થતાં લોકો ચિંતામાં છે. સિંગતેલના 15 કિલોના ડબ્બાનો ભાવ 3100 રૂપિયાને પાર થઈ ગયો છે. જાણકારોના મતે હજુ બીજા સો રૂપિયાના વધારાની ગણતરી છે. વેપારીઓનું કહેવું છે કે, મગફળીની આવક સારા પ્રમાણમાં છે છતાં ભાવ વધી રહ્યા છે કેમ કે સરકારનો કોઈ અંકુશ નથી. તેલીયા રાજાઓ સંગ્રહખોરી કરીને કૃત્રિમ અછત ઊભી કરીને ભાવ વધારો કરી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલના તો ભાવ કાબુ બહાર જ છે અને હવે ખાદ્યતેલના ભાવ પણ કાબુ બહાર જઈ રહ્યા છે જે સરકારના નિષ્ફળ તંત્રનું જ પરિણામ છે. તેમાં પ્રજાનું તેલ નીકળી રહ્યું છે.દક્ષિણના એક જિલ્લામાં સરકારનો પગાર લેતી પોલીસે પોતાની વફાદારી બુટલેગરોના દરબારમાં ગિરવે મૂકી દીધી હોય તેવી ઘટના બની છે. બુટલેગરો દ્વારા 12 વર્ષના એક કિશોરનું અપહરણ કરી 15 લાખ ખંડણી માગવામાં આવી હતી. સરકારી પગારે બુટલેગરોની નોકરી કરતા આ પોલીસ મથકના પીઆઈ અને એલસીબીના પીઆઈએ 24 કલાક બાદ તો ફરિયાદ લીધી હતી. આ ઉપરાંત આરોપીઓના નામ અંગે પણ સભાનતા સાથે ગોટાળા કર્યા હતા. આ બુટલેગરો દ્વારા પકડાઈ જવાના ભયે બાળકની હત્યા કરી દેવામાં આવતા મામલો ગંભીર થયો હતો. રેન્જ આઈજીના ધ્યાને આ વાત આવતા તેમણે આ પોલીસકર્મી ઓને સસ્પેન્ડ કર્યા છે અને તપાસ ચાલે છે. વાત એવી છે કે, બાળકના અપહરણ પહેલાં જ ૪૫ પેટી દારૂ ઉતાર્યો હતો અને તેમાં પોલીસને મોટો વહેવાર મળી ગયો હતો. તેના પગલે જ કદાચ આરોપીઓના નામ હોવા છતાં પીઆઈએ કોઈ પગલાં લીધા નહોતા અને એક બાળકે જીવ ગુમાવ્યો હતો. પોલીસની આ હદની લાંચીયાગીરી સામે લોકોમાં રોષ વધી રહ્યો છે. જિલ્લાઓ તેમજ નાના શહેરોમાં ભાજપનો આંતરિક વિખવાદ સપાટી પર આવી રહ્યો છે, તેનું વધુ એક ઉદાહરણ સોજિત્રા નગરપાલિકા છે. ભાજપના પાંચ સભ્યોએ બળવો કરતાં કોંગ્રેસને સત્તા પ્રાપ્ત થઇ છે. આ પાલિકામાં ભાજપના ૧૫ અને કોંગ્ર્રેસના નવ સભ્યો ચૂંટાયેલા છે. પહેલા અઢી વર્ષ માટે પ્રમુખપદે ભાજપના રજનીકાન્ત પટેલે ચૂંટાઇ આવ્યા હતા. બાકીના અઢી વર્ષ માટે પદાધિકારીઓની થયેલી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના બે સભ્યો વિદેશ હોવાથી તેમની ગેરહાજરી વચ્ચે ભાજપના પાંચ અસંતુષ્ટ સભ્યોએ કોંગ્રેસને ટેકો આપતાં ભાજપની સત્તા છીનવાઇ ગઇ છે. ભાજપના પાંચ સભ્યોનો ટેકો મળતાં કોંગ્રેસને કુલ 13 સભ્યોનું સમર્થન પ્રાપ્ત થતાં પ્રમુખપદ મળ્યું છે, કેમ કે ભાજપના ચાર સભ્યો હાજર રહ્યાં ન હતા. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રાજ્યમાં વાંચન પ્રવૃત્તિ વિકસે એ માટે વાંચે ગુજરાત અભિયાન શરૂ કરેલું. તેઓ પીએમ થયા પછી રાજ્યમાં આ અભિયાન તો અભરાઈ પર ચડી જ ગયું છે અને રાજ્યની લાયબ્રેરીઓ પણ ઉપેક્ષિત હાલતમાં થઈ ગઈ છે. હમણાં ગ્રંથપાલ કર્મચારી મંડળે સરકારને આવેદનપત્ર આપીને રાજ્યોની સ્કૂલો અને કોલેજોમાં લાયબ્રેેરીઓની અવદશા અંગે રજૂઆત કરી છે. આ રજૂઆત પ્રમાણે રાજ્યની ગ્રાન્ટેડ અને સરકારી 317 કોલેજોમાં અને 5600 શાળામાં કાયમી લાયબ્રેરીયન જ નથી. રાજ્યમાં છેલ્લાં 30 વર્ષથી કાયમી લાયબ્રેરીયન્સની ભરતી જ થઈ નથી. બધું ભગવાન ભરોસે જ ચાલે છે. હવે આ હાલત હોય ત્યાં ક્યાંથી વાંચે ગુજરાત ? વડોદરા તાલુકા પંચાયતનાં પ્રમુખ બનેલાં અંકિતા પરમારની ગ્લેમરસ તસવીરો ભાજપમાં ચર્ચાનો વિષય બની છે. અંકિતા પરમાર સોશિયલ મીડિયા પર બહુ સક્રિય છે અને ઈન્સ્ટાગ્રામ પર તો તેમન રીલ્સ અને ફોટોઝ ધૂમ મચાવે છે. ઈન્સ્ટાગ્રામ પર સાત લાખથી વધુ ફોલોઅર ધરાવતાં સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારની ઘણી રીલ્સના લાખોમાં વ્યૂ છે. ભાજપની નવી નીતિ ચર્ચામાં છે કે, તમે જો ફિલ્મ કે ટીવી સ્ટાર હોવ અથવા તો સોશિયલ મીડિયા ઈન્ફલ્યુઅન્સર હોવ તો તમને સામાન્ય કાર્યકર્તા કરતા ઝડપથી પ્રમુખ થવાની તક મળી શકે તેમ છે. ભાજપમાં હવે લોકપ્રિયતા અને પ્રજા સાથે જોડાણના નવા માપદંડો આવી ગયા છે જે ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા કેટલાક સમયથી સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો તેમજ સાંસદોમાં સોશિયલ મીડિયાને લઈને ગાંડપણ જોવા મળી રહ્યુ છે. તેઓ તેમાં ખુબ જ ઝડપથી અપડેટ રહે છે. સાવ નાન કાર્યક્રમહોય તો પણ તેના ફોટા તેઓ પોતાના સોશિયલ એકાઉન્ટમાં મુકી દે છે. મંત્રીઓ દ્વારા એજન્સીઓ હાયર કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં અપડેટેડ રહેવા પાછળનું મુખ્ય કારણ રાજનીતિમાં પોતે સક્રિય છે તેવું બતાવીને રાજકીય લાભ લેવાનું તેમજ યંગસ્ટર્સને આકર્ષવાનું છે. કેટલાય યુવાનો સોશિયલ મીડિયામાં ટકોર કરી રહ્યા છે કે, કામ કરવાની તસવીરો જેટલી ઝડપથી સોશિયલ મીડિયામાં મુકાઈ રહી છે તેટલી ઝડપ કામગીરી પૂરી કરવામાં દાખવવામાં આવે તો પ્રજાની ઘણી સમસ્યા ઝડપથી ઉકેલાય તેમ છે. લોકોએ સોશિયલ મીડિયામાં જ રોષ ઠાલવ્યો હતો કે, કામ શરૂ થાય એટલે સોશિયલ મીડિયામાં તેનો પ્રચાર કરી દેવાનો જેથી લાગ્યા કરે કે કામ થાય છે પછી ભલે પરિણામ કોઈ ન આવે. ભાજપ દ્વારા પોતાના કાર્યકર્તાઓ માટે જ કાયદાના બેરિકેડ્સ બનાવવામાં આવ્યા છે જ્યારે કોંગી નેતાઓને પાછલા બારણે તમામ મદદ કરાતી હોવાની નવી નીતિએ કાર્યકર્તાઓમાં રોષ જન્માવ્યો છે. તાજેતરમાં જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં કોંગ્રેસી નેતાઓ પોતાની એક મહિલા મિત્રને સરકારી નિગમમાં સારો હોદ્દો અપાવ્યો હતો. સચિવાલયના ગલીયારાઓમાં ચર્ચા છે કે, સરકાર ગમે તેની હોય પોતાના ખિસ્સા ભરવા અને પોતાનાઓના ખિસ્સા ભરવામાં નેતાઓ પાવરધા છે તેનું આ ઉદાહરણ છે. રાજકીય ગલિયારાઓમાં ચર્ચા છે કે, પોતાના લોકો માટે પણ ભાજપના ચાવવાના અને બતાવવાના દાંત અલગ હોવાની નીતિ આ કારણે ઉઘાડી પડી છે. કાર્યકર્તાઓમાં પણ રોષ છે કે, પક્ષ દ્વારા જે લાયકાત અને કાયદાની ફૂટપટ્ટીઓ અને માપદંડો રાખવામાં આવે છે તે માત્ર કાર્યકર્તાઓ માટે જ હોય છે. નેતાઓને કશું જ નડતું નથી. ભાજપના એક નેતાએ છેલ્લા ચાર વર્ષ દરમિયાન 15થી વધુ પેટ્રોલપંપોની મંજૂરી મેળવી લીધી છે. જે પૈકીમાંથી મોટાભાગના પંપો પોતાના પરિવારના તો અમુક પંપો પોતાના વિશ્વાસુઓના નામે છે. અમદાવાદ અને તેની આસપાસમાં આ પેટ્રોલપંપો આવેલા છે. ભાજપના મીડિયા સેલમાં કામ કરતા અને બ્રહ્મ અગ્રણી ગણાતા એવા નેતાએ પણ સુરતમાં પેટ્રોલપંપ ચાલુ કર્ર્યો હતો. સચિવાલયમાં ચર્ચા છે કે, આ નેતા ભાજપ માટે મીડિયાને કનેક્ટ કરવાની કામગીરી કરે છે અને તેના ફળરૂપે સરકારમાંથી પોતાના કામો મેનેજ કરાવી લે છે. ભાજપના સંગઠનના પદો હવે ભ્રષ્ટાચારના અખાડા જેવા બની ગયા છે. સરકારનું એક કામ કરીને પોતાના ચાર કામ કઢાવી લેનારા લેભાગુઓ જ આવા પદો ઉપર છે. મીડિયા મેનેજ કરનારા નેતાની જ સાંઠગાંઠ અને પેટ્રોલપંપોની મંજૂરીઓની કરતૂતો હવે મીડિયામાં જ ચર્ચાઈ રહી છે. મુખ્ય સચિવ રાજકુમારની ઈમેજ એક ઈમાનદાર અને કડક અધિકારી તરીકેની છે. વિવિધ પ્રોજેકેટો કે ટેન્ડરોને ફાઈનલ કરવાના હોય ત્યારે તેઓ કોઈ કચાસ રાખતા નથી. જેને કારણે મોટાભાગના બાબુઓને તે પસંદ આવતુ નથી. બીજી તફ એડિશન ચીફ સેક્રેટરી જે.પી. ગુપ્તા અલગ પદ્ધતિથી કામ કરે છે. તેમાંય વાત એવી છે કે, સીએમઓના એક શક્તિશાળી અધિકારીના આદેશ પ્રમાણે ગુપ્તા નિર્ણય કરે છે. મુખ્યસચિવે જો કોઈ સૂચના આપી હોય તો તેને પણ તેઓ ગણકારતા નથી. સચિવાલયમાં ચર્ચા છે કે, રાજકુમાર સિનિયર છે અને આદેશ આપે છે પણ બીજી તરફ ગુપ્તા પોતાને બેકિંગ આપી રહેલા સીએમઓના અધિકારીના જોરે આદેશો માનતા નથી અને પોતાની રીતે કામ કરે છે. બંને નેતાઓ વચ્ચે પદ અને પાવરની જે જંગ જામી છે તે હવે સીએમ સુધી પહોંચી ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here