બિલકિસ બાનો કેસમાં દોષીઓને છોડી મુકવા મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સહિત ગુજરાત સરકારને નોટિસ ફટકારી

0
129
ચીફ જસ્ટિસ એન.વી. રમણા, જસ્ટિસ અજય રસ્તોગી અને વિક્રમ નાથની બેન્ચે સુનાવણી કરી
ગુજરાતમાં થયેલા તોફાનો દરમિયાન દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના રંધિકપુર ગામમાં અચાનક ભીડ બિલકિસ બાનોના ઘરમાં ઘૂસી ગઈ હતી. આ દરમિયાન ગર્ભવતી બિલકિસ બાનો પર ગેંગરેપ કરી તેમના પરિવારના 7 લોકોની હત્યા કરવામાં આવી હતી.

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો ગેંગરેપ કેસ મામલે દોષીઓને છોડી મૂકવા સામે દાખલ કરેલી અરજીની સુનાવણીમાં ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે. આ મામલે બે અઠવાડિયા બાદ સુનાવણી થશે. ચીફ જસ્ટિસ એન.વી. રમણા, જસ્ટિસ અજય રસ્તોગી અને વિક્રમ નાથની બેન્ચે સુનાવણી કરી હતી. સામાજિક કાર્યકર્તા સુભાષિની અલી, રુપરેખા વર્મા અને પત્રકાર રેવતી લાલે આ મામલે 11 દોષીઓને મુક્ત કરવાના ગુજરાત સરકારના આદેશને રદ્દ કરવાની માગ કરી છે. ઉલ્લેખનીય છે કે, આ 11 દોષી બિલકિસ બાનોનો ગેંગરેપ અને તેમના પરિવારના 7 સદસ્યોની હત્યા કરવા મામલે 15 વર્ષથી જેલમાં હતા. પરંતુ ગુજરાત સરકારના દોષીઓને રાજ્ય સરકારની નીતિ અંતર્ગત 15 ઓગસ્ટે છોડી મૂકવામાં આવ્યા છે. ગુજરાત સરકારે 11 દોષીઓને છોડી મૂક્યા પછી બિલકિસ બાનોએ કહ્યું હતું કે, ‘15 ઓગસ્ટ 2022ના દિવસે જે થયું તે મને 20 વર્ષ પહેલાં થયેલી ઘટનાની યાદ તાજી કરાવી ગયું. મેં જ્યારથી સાંભળ્યું છે કે, મારા પરિવાર અને મારા જીવનને બરબાદ કરનારા 11 અપરાધીઓને છોડી મૂકવામાં આવ્યા છે, તેમની સજા માફ કરવામાં આવી છે, ત્યારથી હું બહુ જ દુઃખી છું. તેમણે મારી ત્રણ વર્ષની દીકરી પણ છીનવી લીધી હતી, મારો પરિવાર મારાથી છીનવી લીધો હતો અને આજે તેમને માફી આપવામાં આવી હતી. હું હેરાન છું. ગુજરાતમાં થયેલા તોફાનો દરમિયાન દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના રંધિકપુર ગામમાં અચાનક ભીડ બિલકિસ બાનોના ઘરમાં ઘૂસી ગઈ હતી. આ દરમિયાન ગર્ભવતી બિલકિસ બાનો પર ગેંગરેપ કરી તેમના પરિવારના 7 લોકોની હત્યા કરવામાં આવી હતી. વર્ષ 2008માં મુંબઈની એક વિશેષ સીબીઆઈ કોર્ટે બિલકિસ બાનો કેસના આરોપીઓને  21મી જાન્યુઆરી 2008ના દિવસે સામુહિક બળાત્કાર અને તેમના પરિવારની હત્યા કરવા મામલે આજીવન કેદની સજા સંભળાવી હતી. ત્યારબાદ બોમ્બે હાઇકોર્ટે તેમના દોષી કરારને સહમતિ આપી હતી. જેલમાં 15 વર્ષથી વધુ સમય રહ્યા બાદ આ દોષીઓમાંથી રાધેશ્યામની સજા માફ કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને કોર્ટે ગુજરાત સરકારને આ મામલે નિર્ણય લેવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ પછી ગુજરાત સરકારે એક કમિટી બનાવી હતી, જેણે તમામ 11 દોષીઓની સજા માફ કરવાનો નિર્ણય લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here