ઈરાકમાં વડાપ્રધાનપદના ઉમેદવારનો વિરોધ, પ્રદર્શનકારીઓ સંસદભવનમાં ઘૂસ્યા

0
196
સંસદભવનમાં શરૂ થનારું સત્ર બંધ રાખવાની ફરજ પડી
ઈરાકના સુરક્ષાદળોએ પ્રદર્શનકારીઓ પર ટીઅર ગેસ છોડયો, પીએમ કાધિમીએ શાંતિપૂર્ણ દેખાવોની અપીલ કરી

ઈરાકમાં વડાપ્રધાનપદના ઉમેદવાર મોહમ્મદ શિયા અલ-સુદાનીના વિરોધમાં અસંખ્ય લોકોએ પ્રદર્શનો કર્યા હતા. પ્રદર્શનકારીઓ સંસદભવનમાં ઘૂસી ગયા હતા. એક સપ્તાહમાં બીજી વખત આવી ઘટના બની હતી. સુરક્ષાદળોએ પ્રદર્શનકારીઓ પર બળપ્રયોગ કર્યો હતો અને ટીઅર ગેસ છોડયો હતો. સંસદભવનમાં શરૃ થનારું સત્ર બંધ રાખવાની ફરજ પડી હતી. વડાપ્રધાનપદના ઉમેદવાર મોહમ્મદ શિયા અલ-સુદાનીને ઈરાન સમર્થિત સંગઠનનો ટેકો હોવાના મુદ્દે ઈરાકમાં ભારે હોબાળો થયો છે. ઈરાકમાં ધર્મગુરુના સમર્થકો વડાપ્રધાનપદના ઉમેદવારના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. સંસદભવનમાં ઘૂસીને પ્રદર્શનકારીઓએ તોડફોડ કરી હતી. તેમને બહાર કાઢવા માટે સુરક્ષાદળોએ બળપ્રયોગ કર્યો હતો અને ટીઅર ગેસના સેલ છોડયા હતા. એ ઉપરાંત લાઠી ચાર્જ કર્યો હતો અને અવાજ બોમ્બ પણ ફોડયો હતો. વડપ્રધાન મુસ્તફા અલ-કાધિમીએ સુરક્ષાદળોને બળપ્રયોગ ન કરવા તેમ જ પ્રદર્શનકારીઓનું રક્ષણ કરવાની સૂચના આપવાની સાથે સાથે પ્રદર્શનકારીઓને પણ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનો કરવાની અપીલ કરી હતી. સપ્તાહમાં સતત બીજી વખત પ્રદર્શનકારીઓ સંસદભવનમાં ઘૂસી ગયા હતા. અગાઉ સંસદભવનમાં ઘૂસીને પ્રદર્શનકારીઓએ સાંસદોના ટેબલોમાં તોડફોડ કરી હતી. પ્રદર્શનકારીઓ ધર્મગુરુ મુસ્તફા અલ-સદરના સમર્થકો હોવાનું કહેવાય છે. જોકે, એ વખતે એક પણ સાંસદની હાજરીમાં સંસદભવનમાં ન હતી. પ્રદર્શનકારીઓનો આક્રોશ જોતાં સંસદનું સત્ર બંધ રાખવાની ફરજ પડી છે. ઈરાકમાં ઓક્ટોબર ૨૦૨૧માં ચૂંટણી થઈ હતી. ત્યારથી જ નાના-મોટા પ્રદર્શનો થતા રહે છે. પૂર્વ મંત્રી અને પ્રાંતીય ગવર્નર મોહમ્મદ શિયા અલ-સુદાની વડાપ્રધાન બને તેવી શક્યતા છે. એ પછી વિરોધ વધ્યો છે. અત્યારે મુસ્તફા અલ-કાધિમી કાર્યકારી વડાપ્રધાન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here