“સુખનો પાસવર્ડ”: એક અનોખો વિચાર અણધાર્યું પરિણામ લાવી શકે…

0
548
એક ઉચ્ચ સરકારી અધિકારીએ સર્જનાત્મક રીતે વિચારીને કોરોના વિરુદ્ધની લડાઈમાં અનોખું યોગદાન આપ્યું
એક ઉચ્ચ સરકારી અધિકારીએ સર્જનાત્મક રીતે વિચારીને કોરોના વિરુદ્ધની લડાઈમાં અનોખું યોગદાન આપ્યું

થોડા દિવસ અગાઉ જૂનાગઢ જિલ્લાની મુલાકાતે જવાનું થયું. જૂનાગઢની આજુબાજુના વિસ્તારોમાં થોડો સમય ગાળ્યો ત્યારે એક સરસ મજાની વાત જાણવા મળી.જૂનાગઢના જિલ્લા શિક્ષણ અધિકારી આર. એસ. ઉપાધ્યાયએ કોરોના વિશે અને વૅક્સિન લેવા વિશે જાગૃતિ લાવવા માટે શિક્ષકોનો એક વેબિનાર કર્યો હતો. એ વેબિનારમાં લોકોમાં જાગૃતિ લાવવા માટે અભિયાન શરૂ કરવા માટે શિક્ષકોને કહેવાયું હતું.એ વેબિનાર પછી જૂનાગઢ જિલ્લાના હજારો શિક્ષકો દરરોજ પાંચ કુટુંબને કોલ કરીને તેમના ખબરઅંતર પૂછવા લાગ્યા અને કોરોનાથી બચવા માટે વૅક્સિનનું શું મહત્ત્વ છે એ સમજાવવા લાગ્યા. અને બીજી બાજુ શિક્ષકોએ વિદ્યાર્થીઓને સમજાવ્યા કે તમે તમારા સગાંવહાલાંને પોસ્ટકાર્ડ લખીને વિનંતી કરો, આગ્રહ કરો કે તમે અમારા માટે પણ વૅક્સિન લઈ લો.
વિદ્યાર્થીઓએ તેમનાં સગાંવહાલાંને પોસ્ટકાર્ડ લખવાની ઝૂંબેશ શરૂ કરી. જે વિદ્યાર્થીઓનો જન્મદિવસ આવતો હોય તેઓ તેમની ભાષામાં સગાંવહાલાંઓને પોસ્ટકાર્ડ લખીને કહેવા લાગ્યા કે મારો જન્મદિવસ આવી રહ્યો છે તો તમે મને બર્થડે ગિફ્ટ આપો. તમે કોરોના પ્રતિરોધક રસી લઈ લો એ જ મારા માટે બર્થડે ગિફ્ટ હશે.કેટલાક વિદ્યાર્થીઓએ તેમનાં નાના-નાનીને પત્ર લખીને કહ્યું કે અમને તમારી જરૂર છે. અમારે વેકેશનમાં તમારી પાસે રમવા આવવું છે. તમારા ખોળામાં રમવું છે, તમારી પાસે વાર્તાઓ સાંભળવી છે. એટલે પ્લીઝ તમે કોરોના પ્રતિરોધક વેક્સિન લઈ લેજો.તો કોઈ વિદ્યાર્થીએ તેના દાદાને કે દાદીને પત્ર લખીને કહ્યું કે અમારે હજુ તમારી સાથે ખેતરોમાં ફરવા આવવું છે. તમારી સાથે રમવું છે. તમે વૅક્સિન લઈ લો પ્લીઝ.કોઈ વિદ્યાર્થીએ વળી કોઈ વડીલને પત્ર લખ્યો કે “અમારે તમારી પાસેથી પંચતંત્રની વાર્તાઓ અને અન્ય પ્રાચીનકથાઓ સાંભળવી છે. તમારું જીવન અમારા માટે અમૂલ્ય છે એટલે તમે વૅક્સિન ન લીધી હોય તો પ્લીઝ લઈ લેજો.આ રીતે વિદ્યાર્થીઓએ સગાંવહાલાંને જાતજાતના પત્રો લખ્યા.આ રીતે હજારો શિક્ષકોએ રોજ પાંચ-પાંચ કુટુંબોને કોલ કરીને થોડા  સપ્તાહો દરમિયાન લાખો કુટુંબો સાથે સીધો સંવાદ કર્યો. તો લાખો વિદ્યાર્થીઓએ સગાંવહાલાંઓને પત્રો લખીને વૅક્સિન લેવા માટે વિનંતી કરી.એક સરકારી અધિકારી અલગ રીતે વિચારે તો કેવું પરિણામ લાવી શકે એનો આ પુરાવો છે.કવિ દુષ્યંત કુમાર સરસ મજાનો શેર લખી ગયા છે: ‘કયું આસમાં મેં સુરાગ નહિ હો સકતા એક પથ્થર તો તબિયત સે ઉછાલો યારોં.’વાત કશુંક નવું વિચારવાની છે. એક અનોખો વિચાર અણધાર્યું પરિણામ લાવી શકતો હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here