‘લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું, બિનજરૂરી બહાર ના નીકળો, આઠ દિવસમાં આ સંક્રમણ આપણે તોડી નાંખવા માંગીએ છીએ’

0
532
1
1

ગુજરાતમાં કોરોના કેસમાં આવેલા રોકેટગતિએ ઉછાળાની સ્થિતિને જોતા રૂપાણી સરકારે આજે સવારે રાજ્યના 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂના અમલની જાહેરાત કરી હતી. બીજી તરફ આવતી કાલથી 18 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે વેક્સિનેશનની પ્રક્રિયાનું રજીસ્ટ્રેશન શરૂ થઈ રહ્યું છે. એવામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સોશિયલ મીડિયા મારફતે ગુજરાતની જનતાને સંબોધન કર્યું હતું. તેમણે આગામી આઠ દિવસમાં કેટલાક કડક પ્રતિબંધો તથા રાત્રિ કર્ફ્યૂ દ્વારા કોરોના પર વિજય મેળવવા લોકોને સાથે મળીને લડાઈમાં જોડાવા કહ્યું હતું. પોતાના સંબોધનમાં વિજય રૂપાણીએ કહ્યું, એક મહિનામાં પાંચ લાખથી વધુ રેમડેસિવિર ઈન્જેક્શન ગુજરાતની જનતાને ઉપલબ્ધ કરાવ્યા છે. થોડીક અગવડતાઓ પણ સ્વાભાવિક આપણને દેખાઈ રહી છે. ક્યાંક બેડ મેળવવામાં, ક્યાંક ઓક્સિજનમાં તકલીફ દેખાય છે. મૃત્યુનું પ્રમાણ વધ્યું છે પણ ગભરાવાની જરૂર નથી. આ યુદ્ધ છે એમાં જે કરવું પડે એની બધા અધિકારીઓને છુટ આપી છે. પહેલી એપ્રિલથી ગઈ કાલ સુધી બે લાખથી વધુ લોકો સંક્રમિત થયાં છે. સાજા થનાર વ્યક્તિ 14 દિવસે સાજા થાય છે. 92 હજાર લોકો સાજા થઈને ઘરે ગયા છે અને રીકવરીનો આંકડો વધી રહ્યો છે.તેમણે વધુમાં કહ્યું કે, ‘આ વખતે વેક્સિનનું શસ્ત્ર આપણી પાસે છે. 29 શહેરોમાં નાઈટ કર્ફ્યૂની સાથે સાથે બધું બંધ, સવારે સાતથી રાત્રે આઠ સુધી ઘણી જગ્યાઓ બંધ રાખવામાં આવી છે. ​​​​​​​શહેરોના લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું, કે બિનજરૂરી બહાર ના નિકળે, લોકો પોતાના ઘરમાં જ રહે, આઠ દિવસમાં આ સંક્રમણ આપણે તોડી નાંખવા માંગીએ છીએ. ​​​​​​​બાકીના ગામડાઓને પણ વિનંતી કરવા માગું છું, ગામમાંથી કોઈ પોઝિટિવ આવે તેને ગામમાં જ ટ્રીટમેન્ટ આપવામાં આવે. ​​​​​​​​​​​​​​ગામના તમામ જવાબદાર લોકો ગામના લોકોમાં જનજાગૃતિ લાવીને અભિયાન ચલાવીશું. સરકાર તમામ લોકોની સાથે છે, આવો આપણે સૌ સાથે મળીને એક જુટ થઈને કોરોના સામેની લડાઈ લડીએ. ​​​​​​​નોંધનીય છે કે કોરોના મહામારીની નાગચૂડમાં સપડાયેલા ગુજરાતના બચવાના ઉપાયના ભાગરૂપે રાજ્ય સરકારે ગુજરાતનાં વધુ 9 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ અમલી બનાવ્યો છે. અત્યારસુધી 20 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ અમલી હતો, જેમાં હવે હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથનો ઉમેરો થયો છે. આમ, હવે ગુજરાતનાં કુલ 29 શહેરમાં રાત્રિના 8થી સવારના 6 વાગ્યા સુધીનો આ કર્ફ્યૂ 5મી મે સુધી અમલી રહેશે. તદુપરાંત આ 29 શહેરમાં વધારાનાં નિયંત્રણો મૂકવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આમ, ગુજરાતનાં શહેરોમાં સરકારનું ‘મિની લોકડાઉન’ અને ગામડાંમાં જનતાનું સ્વયંભૂ લોકડાઉન અમલમાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here