ગુજરાતમાં સી પ્લેન સર્વિસ મેન્ટેનેન્સના કારણે છેલ્લા 11 મહિનાથી બંધ, નવા પ્લેન ખરીદવા કેન્દ્ર પાસે 120 કરોડની માંગ

0
160
સી-પ્લેનની માગણી પર ઝડપથી નિર્ણય લેવાય તે માટે પ્રયાસ કરાશેઃ રાજ્યના સિવિલ એવિયેશન મંત્રી પૂર્ણેશ મોદી
સી-પ્લેનની માગણી પર ઝડપથી નિર્ણય લેવાય તે માટે પ્રયાસ કરાશેઃ રાજ્યના સિવિલ એવિયેશન મંત્રી પૂર્ણેશ મોદી

ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી અમદાવાદના રિવરફ્રન્ટ થી સ્ટેચ્યુ ઓફ યુનિટીની સી-પ્લેન સુવિધાને રિપેરીંગનું ગ્રહણ લાગી ચૂક્યું છે. સી-પ્લેન વારંવાર મરામત માટે બહાર લઇ જવું પડે છે. આ સુવિધાને 11 મહિના થયાં છે પરંતુ તે પૈકી સાત મહિના તો બંધ રહી છે.આ સર્વિસમાં 284 વખત ઉડાન ભરવામાં આવી છે. હાલ સ્પાઇસ જેટની પેટા કંપની સ્પાઇસ શટલ સી-પ્લેન ચલાવે છે. આ સર્વિસ માટે વિમાન ઉત્પાદકો સાથે ચર્ચા ચાલી રહી છે પરંતુ નવા પ્લેન ક્યારે આવશે તે નિશ્ચિત નથી.31મી ઓક્ટોબર 2020માં રિવરફ્રન્ટ થી કેવડિયા સુધી આ સી-પ્લેનની સુવિધા શરૂ કરવામાં આવી હતી. આ સર્વિસમાં એક સાથે 19 લોકો બેસી શકે છે. અત્યાર સુધીમાં 2500 જેટલા લોકોએ તેમાં મુસાફરી કરી છે. ચોંકાવનારી બાબત તો એવી છે કે આ સર્વિસ શરૂ થયા પછી અત્યાર સુધીમાં 200થી વધુ દિવસો સુધી બંધ રહી છે, કારણ કે તેના એરક્રાફ્ટને મરામત કામ માટે વારંવાર માલદિવ્સ મોકલવામાં આવ્યું છે.રાજ્યની તત્કાલિન વિજય રૂપાણીની સરકારમાં સિવિલ એવિયેશન વિભાગ સંભાળતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કેન્દ્રના એવિયેશન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને એક પત્ર લખીને ગુજરાતમાં સી-પ્લેન ખરીદવા 120 કરોડ રૂપિયાની માગણી કરી હતી પરંતુ સરકારમાં નેતૃત્વ પરિવર્તન થતાં હવે નવી સરકારમાં ફરીથી માગણી કરવાની થાય છે. રાજ્યના સિવિલ એવિયેશન મંત્રી પૂર્ણેશ મોદીનું કહેવું છે કે તેઓ સી-પ્લેનની માગણી પર ઝડપથી નિર્ણય લેવાય તે માટે પ્રયાસ કરશે.એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ગયા વર્ષે એવું નક્કી કર્યું હતું કે ગુજરાતમાં સી-પ્લેન માટે સાબરમતી રિવરફ્ન્ટ, કેવડિયા, ધરોઇ ડેમ અને તાપીમાં વોટર એરોડ્રામ બનાવવામાં આવશે. સી-પ્લેન લેન્ડ થઇ શકે તે માટે પાણીમાં 800 થી 900 મીટર જેટલી જગ્યાની જરૂર પડે છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદશકા પ્રમાણે સી-પ્લેન માટે પાણીની સપાટી ઓછામાં ઓછી છ ફુટની હોવી જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here