કંગનાનાં વિવાદિત નિવેદનોથી નિર્માતાઓ પરેશાન

0
378
કંગના રણોટ જે રીતે ખેડૂત આંદોલન વિરુદ્ધ ટ્વિટ કરીને નિવેદન કરી રહી છે તેનાથી ખેડૂતો નારાજ થયા છે. આ સાથે જ તેમણે અભિનેત્રી પર પબ્લિસિટી મેળવવા માટે રાજકારણ રમી રહી હોવાનો આક્ષેપ કર્યો છે.
કંગના રણોટ જે રીતે ખેડૂત આંદોલન વિરુદ્ધ ટ્વિટ કરીને નિવેદન કરી રહી છે તેનાથી ખેડૂતો નારાજ થયા છે. આ સાથે જ તેમણે અભિનેત્રી પર પબ્લિસિટી મેળવવા માટે રાજકારણ રમી રહી હોવાનો આક્ષેપ કર્યો છે.

બૉલીવૂડની અભિનેત્રી કંગના રણોટ હંમેશાં વિવાદોમાં ઘેરાયેલી રહે છે. અભિનેત્રીની ફિલ્મોની જેટલી ચર્ચા થતી નથી તેનાથી વધુ ચર્ચા તેણે કરેલાં વિવાદિત નિવેદનો પર થાય છે. કંગના રણોટનો આ બિનધાસ્ત અંદાજ ઘણા લોકોને પસંદ આવે છે, તો કેટલાક તેને પબ્લિસિટી સ્ટંટ ગણાવે છે.


તાજેતરમાં જ અભિનેત્રીએ કૃષિ બિલના વિરોધમાં આંદોલન કરતા ખેડૂતો અંગે વિવાદિત નિવેદન કર્યું છે. આને લઇને ખેડૂતોએ કંગના રણોટની ફિલ્મનો બહિષ્કાર કરવાની ચેતવણી આપી છે. જોકે, તેને પગલે ફિલ્મના નિર્માતાઓનાં પેટમાં પાણી રેડાયું છે. કંગના રણોટની ફિલ્મોનો બહિષ્કાર થશે તો મોટું આર્થિક નુકસાન થવાનો ભય તેને લઇને ફિલ્મ બનાવતા નિર્માતાઓને સતાવી રહ્યો છે.

કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાને લઇને દિલ્હીમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. આ ખેડૂત આંદોલનના વિરુદ્ધમાં અભિનેત્રી નિવેદન કરી રહી છે એટલું જ નહીં,

ખેડૂત આંદોલનનું સમર્થન કરી રહેલાં અભિનેતા દિલજિત દોસાંઝ અને અભિનેત્રી પ્રિયંકા ચોપડાની પણ કંગના રણોટે ટીકા કરી હતી.ખેડૂતોનું કહેવું છે કે ‘તે રાજકારણ રમી રહી છે. પબ્લિસિટી માટે આ બધું કરી રહી છે. આમ તો આમાં કંગના રણોટનો કોઇ વાંક નથી. જેનામાં જેટલી અક્કલ હોય તે એટલી જ વાતો કરે છે. પોતાને પ્રમોટ કરવા માટે લોકો આવું કરે છે, જેમ કંગનાજીએ કર્યું છે.’ અભિનેત્રીની ટીકા કરવાની સાથે ખેડૂતોએ કંગનાની ફિલ્મોનો બહિષ્કાર કરવાની વાત પણ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે જો તે આવી જ રીતે નિવેદન કરવાનું ચાલુ રાખશે તો પંજાબમાં તેની ફિલ્મોને રિલીઝ થવા દેવામાં નહીં આવે.તમને જણાવી દઇએ કે કંગના રણોટે થોડા સમય પહેલાં જ એક વૃદ્ધ મહિલાનો વીડિયો શેર કરીને તેની સરખામણી એનઆરસી આંદોલનમાં નજરે ચડેલી બિલકિસ દાદી સાથે કરી હતી અને કહ્યું હતું કે આ મહિલા દરેક જગ્યાએ ૧૦૦ રૂપિયાની દહાડીમાં આંદોલન કરવા પહોંચી જાય છે. બાદમાં અભિનેત્રીએ ખેડૂતો અને પંજાબી સ્ટાર્સના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. વિવાદ વધતો જોઇને કંગના રણોટે ટ્વિટ કરીને ખેડૂતોની માફી માગી હતી, પણ સાથે એમ પણ કહ્યું હતું કે તે અસલી ખેડૂતો સાથે છે, પણ નકલી ખેડૂતોનો હજુ પણ વિરોધ કરે છે.

નોંધનીય છે કે ૨૦૨૧માં કંગના રણોટની અનેક ફિલ્મો રિલીઝ થઇ રહી છે. આમાં ‘અપરાજિત અયોધ્યા’, ‘થલાઇવી’, ‘ધાકડ’, ‘તેજસ’ અને ‘ઇમલી’ જેવી ફિલ્મોનો સમાવેશ છે. આ ફિલ્મનું નિર્માણ મોટા પાયે કરવામાં આવી રહ્યું હોવાથી તેમાં નિર્માતાઓનાં ઘણાં નાણાં રોકાયેલાં છે. આવી સ્થિતિમાં કંગના રણોટનું આવું વલણ તેની આગામી ફિલ્મોને નુકસાન પહોંચાડી શકે છે. લોકો અભિનેત્રીની ફિલ્મોનો બહિષ્કાર કરશે તો અંતે તો ફિલ્મના નિર્માતાઓને જ નુકસાન ભોગવવાનો વારો આવવાનો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here