આપને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળ્યો, ટીએમસી, એનસીપી, સીપીઆઇએ ગુમાવ્યો

0
92
– દિલ્હી, પંજાબ, ગોવા બાદ ગુજરાતમાં સારા દેખાવને કારણે આપનું કદ વધ્યું
– ચાર રાજ્યોમાં છ ટકાથી વધુ વોટશેર મળતા આપ હવે ભાજપ, કોંગ્રેસ, બસપા, સીપીઆઇ(એમ) સમકક્ષ રાષ્ટ્રીય પક્ષ બન્યો દિલ્હી અને પંજાબમાં સત્તા મેળવનારી આમ આદમી પાર્ટીને ચૂંટણી પંચે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપી દીધો છે. જ્યારે બીજી તરફ એનસીપી, ઓલ ઇન્ડિયા તૃણમુલ કોંગ્રેસ (એઆઇટીસી), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (સીપીઆઇ)નો રાષ્ટ્રીય પક્ષ તરીકેનો દરજ્જો પાછો લેવામાં આવ્યો છે. તેથી હવે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની ગઇ છે જ્યારે આ ત્રણ પક્ષો સ્થાનિક બની ગયા છે.
ગયા સપ્તાહે જ કર્ણાટક હાઇકોર્ટે ચૂંટણી પંચને આદેશ આપ્યો હતો કે આમ આદમી પાર્ટીને ૧૩મી એપ્રીલ સુધીમાં રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપવા અંગે નિર્ણય લેવામાં આવે. આદેશના અમલના બે દિવસ પહેલા જ ચૂંટણી પંચે આ નિર્ણય લઇ લીધો હતો અને આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પક્ષ જાહેર કરવામાં આવ્યો છે. જેને પગલે આપનું કદ હવે અન્ય રાષ્ટ્રીય પક્ષોની સમકક્ષ થઇ ગયું છે. 

જ્યારે ચૂંટણી પંચે જુલાઇ ૨૦૧૯ના રોજ ત્રણ પક્ષોને કારણ દર્શાવો નોટિસ પાઠવી હતી અને તેમને પૂછ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં નબળા દેખાવ બાદ તેમને મળેલા રાષ્ટ્રીય પક્ષના દરજ્જાને કેમ પાછો ન લેવો તેનું કારણ જણાવવામાં આવે. આ પક્ષોમાં મમતા બેનરજીના ટીએમસી, શરદ પવારના એનસીપી અને ડાબેરી પક્ષ સીપીઆઇનો સમાવેશ થાય છે. આ પક્ષોના જવાબો બાદ આખરે તેમની પાસેથી રાષ્ટ્રીય પક્ષ તરીકેનો દરજ્જો પાછો લઇ લેવામાં આવ્યો છે. 
બીજી તરફ આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળતા હવે તેનો સમાવેશ અન્ય રાષ્ટ્રીય પક્ષો જેમ કે ભાજપ, કોંગ્રેસ, સીપીઆઇ(એમ), બસપા, નેશનલ પીપલ્સ પાર્ટી સમકક્ષ થઇ ગયો છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે દિલ્હી, પંજાબ, ગોવા અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીના દેખાવને ધ્યાનમાં રાખીને તેને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપવામાં આવ્યો છે. જે પક્ષો પાસેથી રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પાછો લેવામાં આવ્યો છે તેમની પાસે રાષ્ટ્રીય સ્તરે છ ટકાથી પણ ઓછો વોટ શેર હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કોઇ પક્ષે રાષ્ટ્રીય પક્ષ તરીકે દરજ્જો મેળવવો હોય તો તેણે ચાર રાજ્યોમાં વિધાનસભા અથવા લોકસભામાં છ ટકા વોટશેર પ્રાપ્ત કરવો જરૂરી છે. 
આપ આ પહેલા ત્રણ રાજ્યો દિલ્હી, પંજાબ, ગોવામાં છ ટકાથી વધુનો વોટશેર પ્રાપ્ત કરી ચુકી હતી અને ગુજરાતમાં પણ આ આંકડો પાર કરી લીધો હોવાથી તેને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપવામાં આવ્યો છે.  દરમિયાન આ સાથે જ ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રીય લોકદળ (આરએલડી), બંગાળમાં રિવોલ્યૂશનરી સોશિયલિસ્ટ પાર્ટી (આરએસપી), આંધ્રમાં ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) પાસેથી રાજ્ય પાર્ટી તરીકેનો દરજ્જો પરત લેવામાં આવ્યો છે. જ્યારે લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ને નાગાલેંડમાં, ટિપરા મોથા પાર્ટીને ત્રિપુરામાં, વોઇસ ઓફ ધ પીપલ પાર્ટીને મેઘાલયમાં રાજ્ય પાર્ટીની માન્યતા આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here