એનસીઇઆરટીએ ધો.12ના પોલિટિકલ સાયન્સના પુસ્તકમાં ગાંધીજીના ઉલ્લેખો હટાવ્યા

0
48
– ગાંધીજી, હિન્દુ-મુસ્લિમ એક્તા અને સંઘ પર પ્રતિબંધના સંદર્ભો કાઢી નાખ્યા
– અભ્યાસક્રમને ગયા વર્ષે જ રેશનલાઇઝ કરાયો : એનસીઇઆરટીનો દાવો   

બારમા ધોરણના પોલિટિકલ સાયન્સના પાઠયપુસ્તકમાંથી નવા શૈક્ષણિક વર્ષથી જે હિસ્સાને કાપી નાંખવામાંઆવ્યો છે તેમાં ગાંધીજીના મૃત્યુની દેશની કોમી પરિસ્થિતિ પર જાદુઇ અસર થઇ હતી, હિન્દુ-મુસ્લિમ એક્તાના ગાંધીજીના પ્રયાસોથી હિન્દુ ઉદ્દામ મતવાદીઓ ઉશ્કેરાયા હતા અને આરએસએસ જેવા સંગઠનો પર થોડા સમય માટે પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો તથા અન્ય હિસ્સાનો સમાવેશ થાય છે. જો કે આ પાઠય પુસ્તક તૈયા કરનારી ધ નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ-એનસીઇઆરટી- દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ વર્ષે અભ્યાસક્રમમાં કોઇ કાપકૂપ કરવામાં આવી નથી અને ગયા જુનમાં જ અભ્યાસક્રમને રેશનલાઇઝડ  એટલે કે  સુયોજિત કરવામાં આવ્યો હતો. 

ગયા વર્ષે અભ્યાસક્રમનું સુયોજન કરવાના બહાને એનસીઇઆરટી દ્વારા કોર્સના અમુક હિસ્સાને પુનરાવર્તિત થતો હોવાથી અને તે અસંગત હોવાથી પડતો મુકવામાં આવ્યો હતો. 

પાઠયપુસ્તકમાંથી જે હિસ્સાને પડતો મુકવામાં આવ્યો છે તેમાં ગુજરાતના હુલ્લડો, મોગલ અદાલતો, ઇમરજન્સી, શીતયુદ્ધ, નક્સલવાદી આંદોલન વિશેના પાઠોનો સમાવેશ થાય છે.૧૯૪૮માં ગાંધીના મૃત્યુ બાદ કોમવાદી રાજકારણનું આકર્ષણ ઘટવાની શરૂઆત થઇ હતી તે વાકયને પણ કાઢી નાંખવામાં આવ્યું હતું. સુયોજન નોંધમાં મહાત્મા ગાંધીના ગદ્યખંડ વિશે કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. એનસીઇઆરટીના ડાયરેકટર દિનેશ સકલાનીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે જ આ સમગ્ર સુયોજનની કવાયત પુરી કરવામાં આવી હતી, આ વર્ષે તેમાં કશું  નવું થયું નથી. એનસીઈઆરટીની વેબસાઇટ પર મુકવામાં આવેલી નોંધમાં જણાવવામાં આવ્યું છે કે કોરોના મહામારીને લક્ષમાં લેતાં વિદ્યાર્થીઓ પરના ભારણને ઘટાડવાનું જરૂરી જણાયું છે. નેશનલ એજ્યુકેશનલ પોલિસી ૨૦૨૦માં પણ કન્ટેન્ટ લોડ ઘટાડવા પર અને સર્જનાત્મક દિમાગને ખીલવે તેવી પ્રયોગાત્મક તકો પુરી પાડવા પર ભાર મુકવામાં આવ્યો છે. આ સંદર્ભમાં એનસીઇઆરટી દ્વારા તમામ વર્ગોના તમામ પાઠયપુસ્તકોનું સુયોજન એટલે કે રેશનલાઇઝેશન કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. પાઠયપુસ્તકોની  સુધારા બાદની આ વર્તમાન આવૃત્તિ તે સુયોજન પામેલા પાઠય પુસ્તકો અનુસાર છે. આ સુયોજિત પાઠયપુસ્તકો ૨૦૨૨-૨૩ માટ ે છે અને તે ૨૦૨૩-૨૪માં પણ ચાલુ રહેશે. 

સુયોજન માટે પડતા મુકવામાં આવેલા હિસ્સાની પસંદગીના કારણોમાં અભ્યાસક્રમનું ભારણ ઘટાડવું જેથી મહામારીમાં પરીક્ષા દરમ્યાન પરીક્ષાલક્ષી તનાવ ન સર્જાય તથા વર્તમાન સંજોગોમાં જે સામગ્રી અસંગત બની ગઇ છે તેને અભ્યાસક્રમમાંથી પડતી મુકવામાં આવી હોવાનું જણાવાયુ  છે.

 શિક્ષણ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે નવી એજ્યુકેશન નીતિ અનુસાર હાલ  નવા અભ્યાસક્રમનું માળખું  સુધારવામાં આવી રહ્યુ  છે. આ નવા અભ્યાસક્રમ  અનુસારના પાઠયપુસ્તકો ૨૦૨૪ના શૈક્ષણિક વર્ષથી જ લાગુ પાડવામાં આવશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here