ડેટ મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ પરના લોંગ ટર્મ કેપિટલ ગેઈન લાભ પાછા ખેંચાયા

0
45

– ૧,એપ્રિલ ૨૦૨૩થી અમલી : ૩૫ ટકાથી વધુ ઈક્વિટી રોકાણ નહીં ધરાવતાં ડેટ ફંડોને ઈન્ડેક્સેશનના લાભ પણ નહીં મળી શકે

– અણધાર્યા એકાએક સુધારા કરી ફાઈનાન્સ બિલ ૨૦૨૩ પસાર કરાયું

ડેટ મ્યુચ્યુઅલ ફંડોના  રોકાણકારોને અત્યારે મળતાં લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્ષના લાભ પાછા ખેંચવામાં આવ્યા છે. આ અણધાર્યા એકાએક સુધારા કરીને સરકારે લોકસભામાં આજે કોઈપણ ચર્ચા વગર ફાઈનાન્સ બિલ ૨૦૨૩ પસાર કર્યું હતું. 

આ સુધારા-અમેન્ડમેન્ટ મુજબ જે ડેટ ફંડો ઈક્વિટી શેરોમાં ૩૫ ટકાથી વધુ રોકાણ ધરાવતા નથી એ ફંડોમાં રોકાણ હવે  આવક વેરાના જે તે સ્લેબ મુજબ આવક વેરાને પાત્ર રહેશે અને એ રોકાણ પરના લાભને શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ગણવામાં આવશે. બેંકોની ફિક્સ્ડ ડિપોઝિટો પર પણ આ જ  પ્રકારે વેરો વસુલવામાં આવે છે.

અત્યાર સુધી ડેટ મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણને ત્રણ વર્ષથી વધુ સમય સુધી જાળવવામાં આવે તો તેને લોંગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ ગણવામાં આવતું  હતું અને ઈન્ડેક્સેશન લાભ સાથે તેના પર ૨૦ ટકાના દરે ટેક્ષ અથવા ઈન્ડેક્સેશનના લાભ વિના ૧૦ ટકાના દરે ટેક્ષ લાગુ છે.

જે  રોકાણકારો ત્રણ વર્ષથી ઓછો સમય આ રોકાણ ધરાવતા હોય એમને તેમના ટેક્ષ સ્લેબ મુજબ વેરો લાગુ થાય છે. અત્યારે ડેટ મ્યુચ્યુઅલ ફંડ સ્કિમોએ તેમના કોર્પસના ન્યુનતમ ૬૫ ટકા રોકાણ ડેટ સિક્યુરિટીઝમાં કરવાનું રહે છે.

ફાઈનાન્સ બિલમાં આ સુધારાને  રાજય સભાને મોલકવામાં આવ્યા છે અને એમાં સોનું, આંતરરાષ્ટ્રીય ઈક્વિટી અને સ્થાનિક ઈક્વિટી ફંડ ઓફ ફંડ્સ(એફઓએફ) માટે પણ લાગુ કરવામાં આવ્યા છે. આ ફેરફારો ૧,એપ્રિલ ૨૦૨૩થી અમલી બનશે અને એથી જે રોકાણકારોએ અત્યારે મળતાં લાભ લેવા હોય તો એમણે નાણાકીય વર્ષ ૨૦૨૩ના અંત સુધી જ આ લાભ ઉપલબ્ધ રહેશે.

આ સાથે ડેટ  મ્યુચ્યુઅલ ફંડોને ત્રણ વર્ષથી વધુ સમય માટે મળતાં ઈન્ડેક્સેશન લાભ પણ ઈતિહાસ બની જવાની શકયતા છે. કેમ કે આ ફંડોએ જો સ્થાનિક કંપનીઓના શેરોમાં ૩૫ ટકાથી વધુ રોકાણ નહીં ધરાવતાં હોય તો એવા કિસ્સામાં ૧,એપ્રિલ ૨૦૨૩ અને ત્યાર બાદથી ઈન્ડેક્સેશનના કોઈ લાભ મળશે નહીં.

સુંદરમ મ્યુચ્યુઅલ ફંડના મેનેજિંગ ડિરેકટર સુનીલ સુબ્રમ્ણિયમનું કહેવું છે કે, આ સુધારાથી ડેટ મ્યુચ્યુઅલ ફંડના  રોકાણકારો ખાસ એચએનઆઈ રોકાણકારોને મોટી અસર પડવાની શકયતા છે.  જ્યારે બેંક થાપણો માટે ફાયદો થશે. આ સાથે સોનું, આંતરરાષ્ટ્રીય સ્કિમો, ફંડ ઓફ ફંડ્સ  વગેરે જેવી તમામ નોન-ઈક્વિટી સ્કિમોને પણ અસર થશે.

પરંતુ ડેટ ફંડોને સૌથી વધુ અસર કરશે કેમ કે ઘણા ઈન્વેસ્ટરો ટેક્ષમાં રાહત લેવા ડેટ ફંડોમાં રોકાણનો વિકલ્પ અપનાવતા હોય છે. સરકાર દ્વારા આ કરાયેલા એકાએક સુધારાથી ઘણા મ્યુચ્યુઅલ ફંડો સાથે સંકળાયેલા  લોકોએ વિવિધ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ પર આક્રોશ ઠાલવ્યો છે. જેથી ઘણાંએ આ ફેરફારમાં પણ સમીક્ષા કરવામાં આવશે એવી અપેક્ષા બતાવી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here