ભારત-અમેરિકાને આર્થિક ગતિ જાળવવા પાઈપલાઈન ઓફ ટેલેન્ટની જરૂર : પીએમ

0
26
અર્થતંત્રમાં વૃદ્ધિની ગતિ જાળવી રાખવા માટે ભારત અને અમેરિકામાં ‘પાઈપલાઈન ઓફ ટેલેન્ટ’ની જરૂર છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના વર્જિનિયાના એલેક્ઝાન્ડ્રિયામાં નેશનલ સાયન્સ ફાઉન્ડેશનમાં જણાવ્યું હતું. વડાપ્રધાને બંને દેશો માટે શિક્ષણ અને વર્કફોર્સ માટનેની સંયુક્ત અગ્રતાઓ પર ભાર મૂક્યો હતો. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અમેરિકન પ્રમુખ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી જીલ બાઈડેને વ્હાઈટ હાઉસમાં વ્યક્તિગત ડિનરનું આયોજન કર્યું હતું. વધુમાં આજે વ્હાઈટ હાઉસમાં પીએમ મોદી માટે ‘સ્ટેટ ડિનર’નું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ૪૦૦થી વધુ સેલિબ્રિટી હાજર રહેશે.
અમેરિકાના ઉચ્ચ સ્તરના શૈક્ષણિક સંસ્થાન-ટેકનિક સાથે ભારતના પ્રતિભાશાળી યુવાનોનું જોડાણ વિશ્વને નવી દિશા આપશે : મોદી
પીએમ મોદીએ ફર્સ્ટ લેડી જીલ બાઈડેન સાથે નેશનલ સાયન્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ‘સ્કિલિંગ ફોર ફ્યુચર ઈવેન્ટ’માં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચે શિક્ષણ અને સંશોધનમાં પારસ્પરિક સહયોગ જરૂરી છે. આ સંયુક્ત પ્રયાસમાં જરૂરી છે કે સરકાર, ઉદ્યોગ, એકેડેમિયા, શિક્ષકો અને વિદ્યાર્થીઓ બધાનો સમાવેશ કરવામાં આવે. ઈન્ડિયા-અમેરિકા ટિચર એક્સચેન્જ પ્રોગ્રામ અંગે પણ આપણે વિચારી શકીએ છીએ.
પીએમ મોદીએ કહ્યું કે, અમે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શિક્ષણ અને સ્કિલિંગને પ્રોત્સાહન આપ્યું છે. અમે સ્કૂલોમાં ૧૦,૦૦૦ અટલ ટિકરિંગ લેબ્સની સ્થાપના કરી છે, જ્યાં બાળકોને અનેક પ્રકારના ઈનોવેશન કરવા માટે દરેક સુવિધાઓ અપાઈ રહી છે. સ્કિલિંગ મિશન હેઠળ અમે પાંચ કરોડથી વધુ લોકોને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને બ્લોકચેઈન્સ જેવી અત્યાધુનિક અને ઊભરતી ટેક્નોલોજીસની તાલિમ આપી છે અને અન્ય ૧.૫ કરોડ લોકોને તાલિમ અપાઈ રહી છે. ઉદ્યોગપતિઓને પ્રોત્સાહિત કરવા માટે અમે ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા’ મિશન શરૂ કર્યું છે. અમારું લક્ષ્ય આ દાયકાને ટેક્નોલોજીનો દાયકો બનાવવાનું છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે ભારત-અમેરિકાને અર્થતંત્રમાં વૃદ્ધિની ગતિ જાળવી રાખવા માટે પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાની સાથે શૈક્ષણિક સંસ્થાઓ સાથે પ્રતિભાઓને જોડવાની જરૂર છે, જ્યાં એકબાજુ અમેરિકા પાસે ઉચ્ચ સ્તરના શૈક્ષણિક સંસ્થાન અને ટેકનિક છે તો બીજીબાજુ ભારત પાસે વિશ્વની સૌથી મોટી યુવા ફેક્ટરી છે. 
દરમિયાન અમેરિકન પ્રમુખ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી જીલ બાઈડેને બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે વ્હાઈટ હાઉસમાં વ્યક્તિગત રીતે ડિનરનું આયોજન કર્યું હતું. 
પ્રમુખ બાઈડેન અને ફર્સ્ટ લેડીએ વ્હાઈટ હાઉસમાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. ડિનર પછી પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું, ‘હું આજે વ્હાઈટ હાઉસમાં મારા યજમાન બનવા બદલ બાઈડેન અને જીલ બાઈડેનનો આભાર માનું છું. અમારી વચ્ચે અનેક વિષયો પર વાતચીત થઈ.’ ડિનરમાં પીએમ મોદી માટે પાસ્તા અને આઈસક્રિમ સહિત પ્રમુખ બાઈડેનના પસંદગીના ભોજનનો સમાવેશ કરાયો હતો. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here