મજબૂત માગને પગલે જુલાઈમાં ભારતની સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ વધી તેર વર્ષની ટોચે

0
61

– હવામાનની પ્રતિકૂળ સ્થિતિને પગલે વેપાર આશાવાદ નરમ પડયો

દેશના અર્થતંત્રમાં મહત્વનું યોગદાન ધરાવતા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ જુલાઈમાં વધીને ૧૩ વર્ષની ઊંચી સપાટીએ જોવા મળી છે. ૨૦૧૦ના જૂન બાદ વર્તમાન વર્ષના જુલાઈનો સેવા ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેકસ (પીએમઆઈ) પ્રથમ વખત ૬૨.૩૦ની ઊંચી સપાટીએ જોવા મળ્યો છે. વર્તમાન વર્ષના જૂનમાં આ આંક ૫૮.૫૦ રહ્યો હતો. જો કે વેપાર આશાવાદ નરમ પડયો છે.

છેલ્લા બે વર્ષથી ભારતનો સેવા ક્ષેત્રનો પીએમઆઈ ૫૦ની ઉપર રહ્યા કરે છે જે તેનું વિસ્તરણ દર્શાવે છે. 
જુલાઈનો ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ સાધારણ નરમ રહી ૫૭.૭૦ રહ્યો હતો પરંતુ સેવા ક્ષેત્રની સારી કામગીરીને પગલે સેવા તથા ઉત્પાદન ક્ષેત્રનો જુલાઈનો સંયુકત પીએમઆઈ ૬૧.૯૦ સાથે તેર વર્ષની ઊંચી સપાટીએ જોવા મળ્યો છે.
સેવા ક્ષેત્રમાં સ્થિતિસ્થાપકતા દેશના અર્થતંત્રને ગતિ આપવામાં તેનું મહત્વ સમજાવે છે. પીએમઆઈમાં મજબૂતાઈ વર્તમાન નાણાં વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં સેવા ક્ષેત્રનું યોગદાન વધુ રહેશે તેના સંકેત મળી રહ્યા છે, એમ ઈન્ડેકસ તૈયાર કરનાર એસએન્ડપી ગ્લોબલ ખાતેના અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું.
એકંદરે મજબૂત માગ જળવાઈ રહી છે. નવા બિઝનેસ માટેનો સબ-ઈન્ડેકસ પણ મજબૂત રહ્યો છે.
ભારતની સેવા માટેની આંતરરાષ્ટ્રીય માગ પણ ગયા મહિને ઊંચી રહી હતી. ઈન્ડેકસ તૈયાર કરવા માટે હાથ ધરાયેલા સર્વમાં ભાગ લેનારાઓએ નેપાળ, યુએઈ, શ્રીલંકા તથા બંગલાદેશ વિકાસના મુખ્ય સ્રોત હોવાનું જણાવ્યું હતું. 
કાર્યકારી ખર્ચમાં જૂન ૨૦૨૨ બાદ સૌથી ઝડપી વધારો જોવાયો છે અને સેવા પૂરી પાડતી કંપનીઓ તેમના વધેલા ખર્ચમાંથી આંશિક ખર્ચ ગ્રાહકો પર પસાર કરી રહ્યા છે. 
સ્પર્ધાત્મક લાભો ભારતની સેવા માટેની માગને ટેકો પૂરો પાડી રહ્યાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. જો કે હવામાનની પ્રતિકૂળ સ્થિતિને કારણે ભાવિ પ્રવૃત્તિ માટેના સબ-ઈન્ડેકસમાં ઘટાડો નોંધાયો છે. જૂનમાં બાર મહિના માટેનો વેપાર આશાવાદ ૬ મહિનાની ઊંચી સપાટીએ રહ્યો હતો. સેવા ક્ષેત્રમાં કર્મચારીઓનો ઉમેરો પણ ગયા મહિને ચાલુ રહ્યો હતો. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here