સેન્સેક્સ નવી ટોચે : શેરબજારમાં ઈતિહાસ સર્જાયો

0
57

– સેન્સેક્સ ૬૩૫૮૮ નવો વિક્રમ બનાવી અંતે ૧૯૫ પોઈન્ટ વધીને ૬૩૫૨૩, નિફટી સ્પોટ ૪૦ પોઈન્ટ વધીને ૧૮૮૫૭

– વૈશ્વિક બજારોમાં સાવચેતી વચ્ચે ફોરેન ફંડોની ભારતીય શેરોમાં જંગી ખરીદી : FPI/FIIની કેશમાં રૂ.૪૦૧૩ કરોડ, DIIની રૂ.૫૫૦ કરોડની ખરીદી

અમેરિકી પ્રમુખ બાઈડને ચાઈનાના જિનપિંગને તાનાશાહ કહ્યાના નિવેદન વચ્ચે અમેરિકા અને ચાઈના વચ્ચેના સંબંધોમાં કડવાશ વધ્યાના અને બીજી તરફ ચાઈના દ્વારા વ્યાજ દરમાં અપેક્ષાથી ઓછા ઘટાડા અને બીજી તરફ અલ-નીનોની ચોમાસા પર માઠી અસરના સંકેત સહિતના મિશ્ર પરિબળો વચ્ચે આજે વૈશ્વિક બજારોમાં સાવચેતીથી વિપરીત ભારતીય શેર બજારોમાં સેન્સેક્સે નવી ઊંચાઈનો ઈતિહાસ રચ્યો હતો. આજે ઇન્ટ્રાડ સેન્સેક્સ ૬૩૫૮૮ની  નવી વિક્રમી સપાટીએ પહોંચ્યા બાદ નફા રૂપી વેચવાલીના દબાણે પાછો ફર્યો હતો.જો કે આમ છતાં આ નવી સપાટીથી તે સામાન્ય દૂર રહ્યો હતો.

 ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ભારતીય શેર બજારોમાં પાછલા ઘણા દિવસોથી સતત ખરીદી બાદ હવે લોકલ ફંડોની શેરોમાં મોટી ખરીદી શરૂ થતાં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાતથી ભારતના આઈટી, ડિફેન્સ સહિતના ક્ષેત્રોમાં સહયોગ વધવાની અપેક્ષા અને ફોરેન ફંડોની ખરીદી વધવાની અપેક્ષાએ ફંડોએ આજે બે-તરફી અફડાતફડીના અંતે નવો વિક્રમ સર્જયો હતો. સેન્સેક્સ ઈન્ટ્રા-ડે ૬૩૫૮૮.૩૧ નવો ઈતિહાસ રચી અંતે બે-તરફી ફંગોળાતી ચાલના અંતે ૧૯૫.૪૫ પોઈન્ટ વધીને ૬૩૫૨૩.૧૫ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી સ્પોટ ૧,ડિસેમ્બર ૨૦૨૨ની સર્વોચ્ચ ૧૮૮૮૭.૬૦ની ટોચથી ૧૨ પોઈન્ટ દૂર રહી ૧૮૮૭૫.૯૦ પહોંચી અંતે ૪૦.૧૫ પોઈન્ટ વધીને ૧૧૮૫૬.૮૫ બંધ રહ્યો હતો.
મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોનું  પ્રોફિટ બુકિંગ 
ચાઈનાના નેગેટીવ અહેવાલ વચ્ચે આજે મેટલ-માઈનીંગ શેરોમાં સતત પ્રોફિટ બુકિંગ થયું હતું. જિન્દાલ સ્ટીલ રૂ.૧૧ ઘટીને રૂ.૫૮૩.૩૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૪.૨૫ ઘટીને રૂ.૭૫૮.૫૫, હિન્દાલ્કો રૂ.૭.૭૦ ઘટીને રૂ.૪૨૧.૨૦, નાલ્કો રૂ.૧.૧૨ ઘટીને રૂ.૮૪.૦૨, વેદાન્તા રૂ.૧.૩૫ ઘટીને રૂ.૨૮૧.૨૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૯૪.૧૯ પોઈન્ટ ઘટીને ૨૦,૫૬૪.૧૫ બંધ રહ્યો હતો.
રિલાયન્સમાં ફંડોના આકર્ષણે મજબૂતાઇ
ફંડોની આજે ઓઈલ-ગેસ શેરોમાં પસંદગીની લેવાલી રહી હતી. ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૧૩.૮૫ વધીને રૂ.૪૮૦.૧૫, ઓએનજીસી રૂ.૨.૯૦ વધીને રૂ.૧૬૦.૧૫, પેટ્રોનેટ એલએનજી રૂ.૧.૮૦ વધીને રૂ.૨૨૬, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૬.૮૫ વધીને રૂ.૨૫૬૩.૬૦,  એચપીસીએલ રૂ.૧.૧૦ વધીને રૂ.૨૭૪.૦૫ રહ્યા હતા. 
અલ-નીનોની અસરના અંદાજે 
સુગર, શેરોમાં તેજી 
અલ-નીનોની ચોમાસા પર અસરના અંદાજ સાથે શેરડીનો પાક ઓછો થવાના અંદાજો વચ્ચે આજે સુગર શેરોમાં સિલેક્ટિવ ખરીદી સાથે એફએમસીજી શેરોમાં લેવાલી રહી હતી. વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૧૨.૯૦ વધીને રૂ.૨૫૮૨.૯૦, એગ્રો ટેક ફૂડ્સ રૂ.૩૧.૮૦ વધીને રૂ.૮૩૨.૯૫, ટેસ્ટી  બાઈટ રૂ.૩૫૩ વધીને રૂ.૧૨,૯૨૫, ડોડલા ડેરી રૂ.૯.૮૦ વધીને રૂ.૫૬૫, આઈએફસી એગ્રો રૂ.૯.૩૫ વધીને રૂ.૫૩૮.૪૦, ઉગાર સુગર રૂ.૧.૮૫ વધીને રૂ.૧૨૧.૫૦, મગધ સુગર રૂ.૬ વધીને રૂ.૪૧૯.૬૫, દાલમિયા સુગર રૂ.૩.૭૫ વધીને રૂ.૩૭૦ રહ્યા હતા. 
સ્મોલ, મિડ કેપ શેરોમાં  પ્રોફિટ બુકિંગ 
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે ફંડોની  પસંદગીની લેવાલી છતાં ઓપરેટરો, ખેલંદાઓનું ઘણાં  શેરોમાં પ્રોફિટ બુકિંગ સાથે ઓફલોડિંગ વધતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૪૨  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૭૦૬  અને ઘટનારની સંખ્યા વધીને ૧૮૨૨ રહી હતી.
FPI/FIIની  અને DIIની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝ આજે-બુધવારે કેશમાં રૂ.૪૦૧૩.૧૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૧૩,૭૯૫.૫૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૯૭૮૨.૪૨ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૫૫૦.૩૬કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૭૭૦૪.૮૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૭૧૫૪.૫૦ કરોડની વેચવાલી થઈ હતી.
રોકાણકારોની સંપતિ વધી
શેરોમાં આજે ઈન્ડેક્સ બેઝડ નવો વિક્રમ રચાયા સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ખરીદીનું આકર્ષણ રહેતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૮૫ હજાર કરોડ વધીને રૂ.૨૯૪.૩૬ લાખ કરોડની નવી ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here