જાપાનના પૂર્વ પીએમ શિન્ઝો આબેની જાહેરમાં હત્યા

0
180
દુનિયાના સૌથી સુરક્ષિત દેશોમાંથી એક જાપાનમાં પૂર્વ વડાપ્રધાનની હત્યાથી વિશ્વ સ્તબ્ધ
આબે રવિવારે યોજાનારી સંસદીય ચૂંટણી માટે નારા શહેરમાં રસ્તા પર ભાષણ કરતા હતા ત્યારે હુમલાખોરે પાછળથી દેશી બંદૂકથી ગોળી મારી

નારા (જાપાન) : જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિંજો આબેની શુક્રવારે એક ચૂંટણી કાર્યક્રમ દરમિયાન ધોળા દિવસે ખૂબ જ નજીકથી ગોળી મારીને હત્યા કરાઈ હતી. જાપાનમાં સૌથી લાંબો સમય સુધી વડાપ્રધાનપદે રહેનારા ૬૭ વર્ષીય આબેને નારા શહેરમાં જાહેર રસ્તા પર ભાષણ શરૂ કર્યાની થોડીક જ મિનિટમાં પાછળથી ગોળી મરાઈ હતી. તેમને થોડાક જ સમયમાં વિમાનથી હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. પોલીસે ઘટનાસ્થળ પરથી જ શિંજો આબે પર હુમલો કરનારને ઝડપી લીધો હતો. જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ આ હુમલાને ‘બર્બર’ ગણાવ્યો હતો. હથિયારો પર આકરા નિયંત્રણોના પગલે દુનિયાના સૌથી સુરક્ષિત દેશોમાંથી એક મનાતા જાપાનમાં જાહેરમાં ગોળીબારની આ ઘટનાથી સમગ્ર વિશ્વ સ્તબ્ધ થઈ ગયું છે. નારા મેડિકલ યુનિવર્સિટી ઈમર્જન્સી વિભાગના ચીફ હિડેટાડા ફુકુશિમાએ જણાવ્યું હતું કે, ગોળી વાગવાના કારણે આબેના હૃદયને ઘણું નુકસાન થયું હતું અને ગળામાં થયેલી બે ઈજાએ તેમની આર્ટરીને નુકસાન પહોંચાડયું હતું, જેથી ભારે માત્રામાં લોહી વહી ગયું હતું. તેમને હોસ્પિટલ લવાયા ત્યારે તેમનું હૃદય બંધ પડી ગયું હતું. શિંજો આબે જાપાનમાં સૌથી લાંબો સમય સતત આઠ વર્ષ સુધી વડાપ્રધાનપદે રહ્યા હતા. તેમણે વર્ષ ૨૦૨૦માં સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે રાજીનામું આપી દીધું હતું. તેમ છતાં આબે જાપાનના શાસક લિબરલ ડેમોક્રેટિક પક્ષના પ્રભાવશાળી નેતા હતા અને તેઓ તેના સૌથી મોટા જૂથ સેઈવકાઈનું નેતૃત્વ કરતા હતા. જાપાની સંસદના ઉપલા ગૃહ માટે રવિવારે મતદાન થવાનું છે. આબે આ ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા હતા.સ્થાનિક મીડિયા એનએચકેએ ઘટનાનો એક વીડિયો ફૂટેજ જાહેર કર્યો છે, જેમાં પશ્ચિમી નારા શહેરમાં એક મુખ્ય ટ્રેન સ્ટેશનની બહાર આબે ભાષણ આપતા હોવાનું દેખાય છે. એટલામાં ગોળી ચાલવાનો અવાજ સંભળાય છે ત્યારે આબે ઊભા હતા, તેમણે ઘેરા વાદળી રંગના કપડાં પહેર્યા હતા અને તેઓ હાથ ઊઠાવી રહ્યા હતા. ત્યાર બાદ ફૂટેજમાં આબે રસ્તા પર પડતા અને સુરક્ષા કર્મચારીઓ તેમના તરફ દોડતા હોવાનું દેખાય છે. તેમણે પોતાની છાતી પર હાથ મૂક્યો અને તેમના શર્ટ પર લોહીના ડાઘ દેખાતા હતા.ફૂટેજમાં બીજી જ ક્ષણે સુરક્ષા કર્મચારી એક વ્યક્તિને પકડતા દેખાય છે. જમીન પર એક દેશી બનાવટની ડબલ બેરલ બંદૂક પડેલી દેખાય છે. નારાની પોલીસે આબેની હત્યા બદલ એક શંકાસ્પદની ધરપકડ કરી હોવાની પુષ્ટી કરી હતી. ૪૧ વર્ષીય હુમલાખોરનું નામ તેત્સુયા યામાગામી હોવાનું જણાવાયું છે. પોલીસે કહ્યું કે, તેમની એક વિસ્ફોટક ટીમે વધુ પુરાવા મેળવવા માટે હુમલાખોરના ઘરે દરોડો પાડયો હતો અને ત્યાંથી વધુ વિસ્ફોટકો જપ્ત કરાયા છે. હુમલાખોર ૨૦૦૦માં ત્રણ વર્ષ માટે નેવીમાં સેવા આપી ચૂક્યો હતો. હુમલાખોરે પોલીસ સમક્ષ ગૂનો કબૂલી લીધો હોવાનું પણ કહેવાય છે. યામાગામીના કહેવા મુજબ તે આબેથી ‘અસંતુષ્ટ’ હતો અને ઘણા સમયથી તેમને મારવાની યોજના બનાવતો હતો. શિંજો આબે પર હુમલાની ઘટના પછી વડાપ્રધાન ફુમિયો કિશિદા અને તેમના કેબિનેટ મંત્રી સમગ્ર દેશમાં અન્ય પ્રચાર અભિયાનોને રોકીને તુરંત ટોક્યો પાછા ફર્યા હતા. શિંજો આબે પર હુમલાથી ભાવુક વડાપ્રધાન ફુમિયો કિશિદાએ કહ્યું, હું આકરા શબ્દોમાં આ કૃત્યની ટીકા કરું છું. ચૂંટણી અભિયાન દરમિયાન થયેલો આ ગૂનો સંપૂર્ણપણે અક્ષમ્ય છે અને ગૂનેગારને કોઈપણ ભોગે છોડવામાં નહીં આવે. આ સાથે કિશિદાએ ટોચના રાજકારણીઓની સલામતી વધારવા આદેશ આપ્યો હતો. આબેએ ૨૦૨૦માં પીએમપદેથી રાજીનામું આપતા કહ્યું હતું કે, તેમનામાં એક જૂની બીમારી અલ્સરેટિવ કોલાઈટિસે ઉથલો માર્યો છે. પીએમપદેથી રાજીનામું આપતા આબેએ કહ્યું હતું કે, પોતાના અનેક લક્ષ્યોને અધૂરા છોડવા તેમના માટે ‘પરેશાન કરનારી બાબત છે.’ તેમણે વર્ષો પહેલાં ઉત્તર કોરિયા દ્વારા અપહરણ કરાયેલા જાપાની નાગરિકોના મુદ્દા, ચીન સાથે પ્રાદેશિક વિવાદ અને જાપાનના યુદ્ધનો ત્યાગ કરનારા બંધારણના સુધારાના મુદ્દાઓનો ઉકેલ લાવવામાં પોતાની નિષ્ફળતાની વાત કરી હતી. આબે વર્ષ ૨૦૦૬માં માત્ર બાવન વર્ષની વયે જાપાનના સૌથી ઓછી વયના વડાપ્રધાન બન્યા હતા, પરંતુ સ્વાસ્થ્યના કારણોથી તેમનો પહેલો કાર્યકાળ એક વર્ષ પછી અચાનક સમાપ્ત થઈ ગયો હતો. ત્યાર પછી આબે ૨૦૧૨માં ફરી વડાપ્રધાન બન્યા હતા. તે સમયે તેમણે દેશના અર્થતંત્રને પાટા પર લાવવા, રાજકોષીય પ્રોત્સાહન, મૌદ્રિક સુગમતા અને માળખાગત સુધારા પર ભાર મૂક્યો હતો. આબે છ રાષ્ટ્રીય ચૂંટણી જીત્યા હતા. આ સમયમાં અર્થતંત્રમાં સુધારાના તેમના પગલાં ‘આબેનોમિક્સ’ તરીકે ઓળખાયા હતા. જોકે, તેમની કટ્ટર રાષ્ટ્રવાદની નીતિઓએ કોરિયા અને ચીનને હંફાવ્યા હતા.જાપાનમાં સૌથી શક્તિશાળી રાજકીય નેતા મનાતા શિંજો આબેની જાહેરમાં હત્યાએ અનેક સવાલોને જન્મ આપ્યો છે. વૈશ્વિક સ્તરે સંરક્ષણ નિષ્ણાતોએ તેમની હત્યા પાછળ વિદેશી કાવતરાંની આશંકા વ્યક્ત કરી છે. કેટલાક નિષ્ણાતોનો આરોપ છે કે શિંજો આબેની હત્યાનું કાવતરું ચીને રચ્યું હોવાની શક્યતા છે. જોકે, તેની પુષ્ટી થઈ શકી નથી અથવા આવું કોઈ સત્તાવાર નિવેદન પણ સામે આવ્યું નથી. જોકે, સંરક્ષણ નિષ્ણાતો કેટલાક સવાલ કરી રહ્યા છે. જેમ કે, સૌથી પહેલો સવાલ એ થાય છે કે આબે જાપાનમાં સૌથી શક્તિશાળી નેતા હોવા છતાં હુમલાખોર હથિયાર સાથે તેમની એકદમ નજીક કેવી રીતે પહોંચી ગયો? તેને કોઈ સ્થાનિક અધિકારીએ મદદ કરી હતી ? શિંજો આબે હવે પૂર્વ વડાપ્રધાન છે. જોકે, તેઓ આજે પણ જાપાનના સૌથી મોટા રાજકીય પક્ષના અધ્યક્ષ છે. તેઓ જ્યાં પણ જાય ત્યાં મોટો કાફલો સાથે જતો હશે, જેમાં એમ્બ્યુલન્સ પણ હશે. આમ છતાં ગોળી વાગ્યા પછી આબેને હોસ્પિટલ લઈ જવા ૧૫ મિનિટ સુધી એમ્બ્યુલન્સની રાહ જોવી પડી હતી. એમ્બ્યુલન્સના આવવામાં આટલો વિલંબ શા માટે થયો? આબેના મોતના સમાચાર જાપાની મીડિયા કરતાં પહેલા ચીની મીડિયામાં પ્રસારિત થયા. ત્યાં સુધી કે જાપાનના કેટલાક મીડિયાએ ચીની સરકારી મીડિયાને ટાંકીને આબે પર હુમલાના સમાચાર પ્રસારિત કર્યા.ઉપરાંત આબેના મોતથી ચીનમાં ઊજવણી શા માટે ? શિંજો આબે પર હુમલા પછી ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે કથિત નિષ્ણાતોને ટાંકીને દાવો કર્યો કે આ હુમલાથી નિશ્ચિતરૂપે જાપાનના દક્ષિણપંથી ઉશ્કેરાશે. સાથે તેઓ વધુ સક્રિય થઈને યુદ્ધ કરી શકે છે. જાપાનમાં આર્થિક સંકટ અને સામાજિક મતભેદ પેદા થઈ શકે છે. આબેના ઉત્તરાધિકારી આ ઘટનાનો ઉપયોગ કરીને મુક્ત અને સ્વતંત્ર હિંદ પ્રશાંત ક્ષેત્રને પ્રોત્સાહન આપવા, પૂર્વી એશિયામાં નાટોના પ્રવેશને પ્રોત્સાહન આપી શકે છે. વધુમાં ચીની સોશિયલ મીડિયા વેઈબોમાં લોકોએ આબેના મોતની ‘ઊજવણી’ કરી હતી. આબે જાપાનના પહેલા વડાપ્રધાન હતા, જેમણે ચીનની નીતિઓનો ખૂલીને વિરોધ કર્યો હતો. જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિંજો આબેની હત્યા જે બંદૂકથી કરાઈ હતી, તે એક દેશી કટ્ટો અથવા તમંચો છે. જાપાનમાં હથિયારો રાખવા અંગે દુનિયામાં સૌથી આકરા નિયમો છે. દરેક વ્યક્તિ પોતાની પાસે હથિયારો રાખી શકતી નથી. તેથી હુમલાખોરે પોતાના ઘરે જ આ દેશી બંદૂક બનાવી હતી. તેને જાપાનમાં જિપગન પણ કહે છે.જિપગનને સાધારણ શબ્દોમાં ઈમ્પ્રુવાઈસ્ડ ફાયરઆર્મ્સ, પાઈપ ગન અથવા સ્લેમ ગન પણ કહે છે. આ હથિયારો સત્તાવાર ફેક્ટરીઓમાં બનાવાતા નથી. તે ગેરકાયદેસર તૈયાર કરાય છે. તેનો મુખ્ય આશય માત્ર ટાર્ગેટને મારવાનો હોય છે. તેની ગુણવત્તા અને સચોટતા વિશ્વસનીય નથી હોતા. તેથી અનેક વખત બંદૂકોનો ઉપયોગ કરતી વખતે તે વિસ્ફોટ કરીને ફાટી જાય છે. શિંજો આબેને મારવા માટે બનાવાયેલી જિપગનમાં બે મેટલ પાઈપ, તાર, લાકડીના બ્લોક, સેલોટેપનો ઉપયોગ થયો હતો અને વિસ્ફોટ માટે લિથિયમ બેટરી વપરાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here