સેન્સેક્સ 925 પોઈન્ટ ફંગોળાઈ અંતે 111 ઘટીને 52908

0
230
નિફટી આરંભમાં ૨૬૯ પોઈન્ટનું ગાબડું અંતે પૂરાઈ ૨૮ પોઈન્ટ ઘટીને ૧૫૭૫૨
ડોલર રૂ.૭૯.૧૨ નવી ટોચે : એફએમસીજી, ફાઈનાન્સ, આઈટી શેરોમાં તેજી

મુંબઇ : અમેરિકી ડોલર સામે સતત નબળો પડતો રૂપિયો ૭૯ની નવી રેકોર્ડ નીચી સપાટીએ આવી જતાં ભારતનું આયાત બિલ જંગી વધી જવાના અને અર્થતંત્ર પર ખાધનું દબાણ વધવાના જોખમને હળવું કરવા કેન્દ્ર સરકારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પ્રયાસમાં આગળ આવી પેટ્રોલિયમ પ્રોડક્ટસ પર વિન્ડફોલ ટેક્ષ પેટ્રોલ, ડિઝલ, એટીએફ ફયુલની નિકાસ પર લેવી અને સોનાની આયાત પર ટેક્ષ સહિતના મહત્વના નિર્ણયો લેતાં અને આવકના સ્ત્રોત તરીકે સ્થાનિક ક્રુડ ઓઈલના ઉત્પાદન પર રૂ.૨૩,૨૫૦ ટને સેસ લાગુ કરતાં શેર બજારોમાં આરંભમાં પેનીક સેલીંગ આવ્યું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ચેન્નઈ પેટ્રો, એમઆરપીએલ સહિતના ફયુલ નિકાસકારો અને ક્રુડ ઓઈલ ઉત્પાદક ઓએનજીસી પર માઠી અસરના અંદાજોએ ફંડોનું આરંભમાં હેમરીંગ થતાં સેન્સેક્સ આરંભમાં જ ૯૨૪.૬૯ પોઈન્ટ તૂટીને ૫૨૦૯૪.૨૫ના તળીયે આવી ગયો હતો. પરંતુ એફએમસીજી શેરોમાં આઈટીસી, હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે ઈન્ડિયા સહિતમાં તેજી થતાં અને બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, એચડીએફસી લિમિટેડ સહિતના  ફાઈનાન્સ શેરોમાં ફંડોની લેવાલી નીકળતાં તેમ જ છેલ્લા કલાકમાં ફયુલ નિકાસ ટેક્ષ ૧૦૦ ટકા નિકાસ એકમોને લાગુ નહીં થવા સંબંધિત સ્પષ્ટતાએ રિલાયન્સ સહિતમાં શોર્ટ કવરિંગ થતાં તેમ જ જૂન મહિનાના જીએસટી કલેકશનમાં ૫૬ ટકાની વૃદ્વિના આંકડાની પોઝિટીવ અસરે વેચાણો કપાતાં સેન્સેક્સ ઘટાડો પચાવી ૫૩૦૫૩.૦૪  પોઝિટીવ ઝોનમાં આવી અંતે ૧૧૧.૦૧ પોઈન્ટ ઘટીને ૫૨૯૦૭.૯૩ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી સ્પોટ આરંભમાં ૨૬૯.૨૦ પોઈન્ટ તૂટીને નીચામાં ૧૫૫૧૧.૦૫ સુધી આવી અંતે રિકવર થઈ ૧૫૭૯૩.૯૫ સુધી પહોંચી અંતે ૨૮.૨૦ પોઈન્ટ ઘટીને ૧૫,૭૫૨.૦૫ બંધ રહ્યો હતો. કેન્દ્ર સરકારે એક તરફ ક્રુડ ઓઈલના ઉત્પાદન પર લેવી લાગુ કર્યા સાથે ફયુલ પેટ્રોલ પર લીટરે રૂ.૬, ડિઝલ પર રૂ.૧૩ અને એટીએફ પર રૂ.૬ નિકાસ લેવી લાગુ કરવાનું જાહેર કરતાં ફયુલ નિકાસકાર રીફાઈનરીઓ રિલાયન્સ, એમઆરપીએલ, ચેન્નઈ પેટ્રોલીયમ સહિતને ફટકો પડવાના અને ક્રુડ ઉત્પાદનમાં ઓએનજીસીને માઠી અસર થવાના અંદાજોએ આરંભમાં આંચકા સાથે શેરો તૂટી ગયા હતા. જે બાદમાં રિલાયન્સ સહિતના એસઈઝેડ એકમો માટે આ નિકાસ લેવી લાગુ નહીં થવાની સ્પષ્ટતાં થતાં ઘટાડે રિકવરી જોવાઈ હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૫૯૫.૬૫ સામે રૂ.૨૫૭૪.૯૦ ખુલીને નીચામાં રૂ.૨૩૬૫ સુધી ગબડી અંતે રૂ.૧૮૬.૯૫ તૂટીને રૂ.૨૪૦૮.૭૦ બંધ રહ્યો હતો. સેન્સેક્સના આજના ૧૧૧ પોઈન્ટના કડાકામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો હિસ્સો ૫૬૫.૪૫ પોઈન્ટનો રહ્યો હતો. અન્ય ઓઈલ-ગેસ શેરોમાં ઓએનજીસી રૂ.૨૦.૩૦ તૂટીને રૂ.૧૩૧.૧૫, ગેઈલ રૂ.૨.૬૦ વધીને રૂ.૧૩૨.૫૦ રહ્યા હતા. જ્યારે ભારતમાં ફયુલ વેચાણ કરતી કંપનીઓને ફાયદો થવાના અંદાજોએ એચપીસીએલ રૂ.૧૧.૩૫ વધીને રૂ.૨૨૮.૫૫, બીપીસીએલ રૂ.૯.૬૫ વધીને રૂ.૩૧૮.૩૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૫૭૮.૬૮ પોઈન્ટ તૂટીને ૧૭૪૪૩.૨૫ બંધ રહ્યો હતો.સેન્સેક્સ, નિફટી બેઝડ આરંભિક કડાકા સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં મોટાપાયે ગભરાટરૂપી વેચવાલી નીકળ્યા બાદ ઘટાડે ફંડો સાથે ખેલંદાઓએ રિકવરીમાં પસંદગીની લેવાલી કરતાં અંતે માર્કેટબ્રેડથ પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૧૧ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૬૫૨ અને ઘટનારની સંખ્યા ૧૬૩૦ રહી હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો-એફઆઈઆઈઝની આજે-શુક્રવારે શેરોમાં કેશ સેગ્મેન્ટમાં રૂ.૨૩૨૪.૭૪ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૪૯૭૯.૫૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૭૩૦૪.૩૩ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો આજે કેશ સેગ્મેન્ટમાં રૂ.૧૩૧૦.૭૧ કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૬૫૮૮.૪૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૫૨૭૭.૭૫ કરોડની વેચવાલી થઈ હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here