વર્લ્ડ બેન્કે વર્ષ 2023 માટે ભારતના વિકાસદરનો અંદાજ ઘટાડી 6.5% કર્યો

0
99
અન્ય દેશો કરતાં ભારતની સ્થિતિ મજબૂત પણ આંતરરાષ્ટ્રીય સ્થિતિને કારણે વૃદ્ધિદર ઘટશે
આઇએમએફના વડાં ક્રિસ્ટાલીના જ્યોર્જિવાએ ગુરુવારે જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં એક કાર્યક્રમમાં બોલતાં મંદીની આશંકા વ્યક્ત કરી હતી.

નવી દિલ્હી : વર્લ્ડ બેન્કે નાણાકીય વર્ષ 2023 માટે ભારતનો અંદાજિત આર્થિક વિકાસદર જૂન, 2022ના 7.5%ના પાછલા અંદાજથી એક ટકો ઘટાડીને 6.5% કર્યો છે. ભારતની આર્થિક વૃદ્ધિમાં કાપ માટે વર્લ્ડ બેન્કે આંતરરાષ્ટ્રીય સ્થિતિનું કારણ આપ્યું છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેન્કની વાર્ષિક બેઠક પહેલાં લેટેસ્ટ સાઉથ એશિયા ઇકોનોમિક ફોકસ જારી કરતા વર્લ્ડ બેન્કે જણાવ્યું કે ભારત વિશ્વના અન્ય ભાગોની સરખામણીમાં મજબૂત બની રહ્યું છે. ગત વર્ષે ભારતીય અર્થતંત્રએ 8.7%ના દરે વૃદ્ધિ કરી. વર્લ્ડ બેન્કના દક્ષિણ એશિયાના ચીફ ઇકોનોમિસ્ટ હેઇન્સ ટિમરે કહ્યું કે ભારતીય અર્થતંત્રએ દક્ષિણ એશિયાના અન્ય દેશોની સરખામણીમાં સારો દેખાવ કર્યો છે. કોરોના મહામારીમાંથી ઉભર્યા બાદ ભારતીય અર્થતંત્રમાં તેજીથી ઉછાળો આવ્યો છે. ભારત ઉપર કોઇ મોટું વિદેશી દેવું નથી. આ મુદ્દે તેને કોઇ સમસ્યા નથી અને તેની નાણાકીય નીતિ સમજદારીપૂર્ણ રહી છે. ભારતીય અર્થતંત્રએ ખાસ કરીને સર્વિસ સેક્ટરમાં તથા સર્વિસ એક્સપોર્ટમાં સારો દેખાવ કર્યો છે. તેમ છતાં અમે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના આર્થિક વૃદ્ધિદરનો અંદાજ ઘટાડ્યો છે, કેમ કે ભારત તથા અન્ય તમામ દેશો માટે આંતરરાષ્ટ્રીય માહોલ બગડી રહ્યો છે. કેલેન્ડર યરના બીજા 6 માસિકનો ગાળો ઘણા દેશો માટે નબળો છે અને ભારતમાં પણ પ્રમાણમાં નબળો રહેશે. આ અગાઉ એશિયન ડેવલપમેન્ટ બેન્કે (ADB) પણ મોંઘવારીના વધતા દબાણ તથા કડક નાણાકીય નીતિઓને ધ્યાનમાં રાખીને નાણાકીય વર્ષ 2022-23 માટે ભારતીય અર્થતંત્રના વૃદ્ધિદરનો અંદાજ ઘટાડીને 7% કરી દીધો હતો. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ભારતીય અર્થતંત્રનો વૃદ્ધિદર 13.5% રહ્યો હતો. રેટિંગ એજન્સી ICRAએ ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતનો આર્થિક વૃદ્ધિદર 7.2%એ યથાવત્ રાખ્યો છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)એ વૈશ્વિક મંદીની ચેતવણી આપી છે. આઇએમએફના વડાં ક્રિસ્ટાલીના જ્યોર્જિવાએ ગુરુવારે જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં એક કાર્યક્રમમાં બોલતાં મંદીની આશંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે દુનિયાભરના દેશોની કેન્દ્રીય બેન્કો મોંઘવારીને કાબુમાં લેવા માટે વ્યાજદરોમાં વધારો કરી રહી છે જે આર્થિક મંદીનું કારણ બની શકે છે. તેમણે કહ્યું હતું કે વર્ષ 2026 સુધીમાં વૈશ્વિક અર્થતંત્રના વિકાસમાં 4 હજાર અબજ ડૉલરનો ઘટાડો થશે. જ્યોર્જિવાએ વધી રહેલી મોંઘવારીને લઈને પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે કોરોના, રશિયા-યુક્રેન યુદ્ધ અને ક્લાઇમેટ ચેન્જને કારણે વૈશ્વિક અર્થતંત્રને ફટકો પડ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here