કારમાં સવાર યુવકો 4 KM સુધી યુવતીને ઢસડી ગયા

0
123
પરિવારજનો પોલીસ તપાસથી સંતુષ્ટ નહીં, કહ્યું- નિર્ભયા જેવો કેસ
ઢસડાવાથી હાડકાં તૂટી ગયાં, માંસ બહાર આવી ગયું હતુ

નવી દિલ્હી : નવા વર્ષની ઉજવણી દરમિયાન રાજધાની દિલ્હીમાં 20 વર્ષની યુવતીને લગભગ 4 કિમી સુધી રસ્તા પર ઢસડી જવાના મામલામાં દિલ્હી પોલીસની થિયરી સવાલોના ઘેરાવમાં આવી ગઈ છે. પોલીસનું કહેવું છે કે આ એક જીવલેણ અકસ્માત છે, પરંતુ પરિવારજનો તેને હત્યા ગણાવી રહ્યા છે. પીડિતાની માતાનું કહેવું છે કે તેણે ઘણા બધા કપડા પહેર્યા હતા, પરંતુ જ્યારે તેનો મૃતદેહ મળ્યો ત્યારે તે સંપૂર્ણ નગ્ન હાલતમાં હતી. તેના શરીર પર એકપણ કપડું નહોતું. આ કેવો અકસ્માત છે? નવા વર્ષની ઉજવણી વચ્ચે રાજધાની દિલ્હીમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. દિલ્હીના કાંઝાવાલા વિસ્તારમાં કારમાં સવાર કેટલાક યુવકોએ એક યુવતીને ટક્કર મારી હતી. અકસ્માત સર્જાયા બાદ યુવકો કાર લઈને નાસી રહ્યા હતા. અકસ્માતમાં યુવતી કારની નીચે ફસાઈ ગઈ હતી અને લગભગ 4 કિલોમીટર સુધી રસ્તા પર ઢસડાતી રહી હતી. તેનાં કપડાં પણ ફાટી ગયાં હતાં. લોહીલુહાણ હાલતમાં યુવતી રોડ પર પડી રહી હતી અને તેનું મોત નીપજ્યું હતું. આઉટર દિલ્હીના ડીસીપી હરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે શનિવાર-રવિવારની વચ્ચેની રાત્રે લગભગ 3 વાગે પોલીસને માહિતી મળી કે કાંઝાવાલા વિસ્તારમાં એક યુવતી રસ્તા પર નગ્ન અવસ્થામાં પડી છે. સમાચાર મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી તો ત્યાં યુવતીની લાશ પડી હતી. પોલીસે આ કેસમાં 5 યુવકની ધરપકડ કરી છે. કાર પણ જપ્ત કરવામાં આવી છે. આરોપીઓને આજે કોર્ટમાં રજુ કરવામાં આવશે.જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તેમાં યુવતીને કારની નીચે ઢસડાતી જોઈ શકાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુવતી ચાર કિમી સુધી કારમાં ફસાઈ રહી હતી. ઢસડાઈને ખેંચી જવાના કારણે યુવતીની પીઠ અને માથાના હાડકા ખરાબ રીતે ઘસાઈ ગયા હતા. માંસ પણ બહાર આવી ગયું હતુ. બંને પગના હાડકા પણ તૂટી ગયા હતા, જેના કારણે તેનું ખૂબ જ પીડાદાયક મૃત્યુ થયું. કપડાં ફાટી ગયા હતા. જ્યારે તેની લાશ મળી ત્યારે તેના શરીર પર એક પણ કપડું ન હતું. પરિવારે કહ્યું- આ બળાત્કાર બાદ હત્યાનો મામલો છે. તેના કપડા આ રીતે ફાટી શકે નહીં. જ્યારે તે મળી આવી, ત્યારે તેના શરીર પર એકપણ કપડું નહોતું. અમે આ મામલે સંપૂર્ણ તપાસ ઈચ્છીએ છીએ. પીડિત યુવતીના મામા પ્રેમ સિંહે કહ્યું કે આ કેસ નિર્ભયા જેવો છે.અમને ન્યાય જોઈએ છે. આ મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. યુવતીની માતાએ કહ્યું- મારી દીકરી મારા માટે સર્વસ્વ હતી. તે ગઈકાલે પંજાબી બાગમાં કામ કરવા ગઈ હતી. તે સાંજે 5.30 વાગ્યે ઘરેથી નીકળી હતી અને કહ્યું હતું કે તે 10 વાગ્યા સુધીમાં પરત આવી જશે. મને સવારે તેના અકસ્માત વિશે જણાવવામાં આવ્યું હતું, પરંતુ હજી સુધી મેં તેનો મૃતદેહ જોયો નથી. પ્રાથમિક તપાસ મુજબ, 23 વર્ષની યુવતી લગ્ન અને અન્ય કાર્યક્રમોમાં પાર્ટટાઈમ કામ કરતી હતી. તે શનિવાર-રવિવારે રાત્રે આવા જ એક ફંક્શનમાંથી કામ કરીને પરત ફરી રહી હતી. તે સ્કૂટી પર પોતાના ઘરે જઈ રહી હતી. જ્યારે પાંચ આરોપી યુવકો પણ તેમની કારમાં એ જ રૂટ પર જઈ રહ્યા હતા. અહેવાલો અનુસાર, સ્કૂટીનો અકસ્માત થયો અને યુવતી કારની નીચે ફસાઈ ગઈ. આ પછી યુવકો ઝડપથી નાસી જવા લાગ્યા હતા અને યુવતી લગભગ 4 કિલોમીટર સુધી રસ્તા પર ઘસડાતી ગઈ હતી અને સુલતાનપુરથી તે કાંઝાવાલા વિસ્તાર સુધી ઢસડાતી ગઈ. તે રસ્તાની વચ્ચે તડપી રહેલી હાલતમાં પડી રહી હતી. તેનાં કપડાં પણ ફાટી ગયાં હતાં. પોલીસ પહોંચી ત્યાં સુધીમાં યુવતીનું મોત થઈ ગયું હતું.પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. કારને પણ જપ્ત કરવામાં આવી છે. આરોપીઓ સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીઓનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે, જેથી તેમણે નશો કર્યો હતો કે કેમ એ જાણી શકાય. હાલ આ ઘટનાને લગતા કોઈ સીસીટીવી પોલીસને હાથ લાગ્યા નથી.DCP હરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે આરોપીઓના કહેવા પ્રમાણે, તેમની કારનો પીડિતાની સ્કૂટી સાથે અકસ્માત થયો હતો, ત્યાર બાદ તેઓ નાસી જવા લાગ્યા હતા, પરંતુ તેઓ એ વાતથી સંપૂર્ણપણે અજાણ હતા કે યુવતી તેની સ્કૂટી સાથે તેમની કારમાં ફસાઈ ગઈ હતી અને રસ્તા પર ઘણા કિલોમીટર સુધી ઢસડાઈ રહી હતી.આ ઘટના પર દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ ટ્વીટ કર્યું – આ ગુનાથી મારું માથું શરમથી ઝૂકી જાય છે અને હું ગુનેગારોના ભયંકર કૃત્યથી સ્તબ્ધ છું. તમામ આરોપીઓ ઝડપાઈ ગયા છે. પીડિત પરિવારને શક્ય તમામ મદદ કરવામાં આવશે. તેઓ દિલ્હીના પોલીસ કમિશનર સાથે મળીને આ મામલે નજર રાખી રહ્યા છે.આ ઘટના બાબતે દિલ્હી મહિલા આયોગનાં અધ્યક્ષ સ્વાતિ માલીવાલે પોતાની પ્રતિક્રિયા જણાવી હતી. તેણે જણાવ્યું હતું કે દિલ્હીના કંઝાવાલામાં એક યુવતીનો નગ્ન હાલતમાં મૃતદેહ મળ્યો છે, જણાવવામાં આવી રહ્યું છે કે કેટલાક યુવકોએ નશાની હાલતમાં કારથી યુવતીના સ્કૂટીને ટક્કર મારી દીધી હતી અને તેને ઘણાં કિલોમીટર સુધી ઢસડી ગયા હતા. આ મામલો ખૂબ જ ભયાનક છે, હું દિલ્હી પોલીસને સમન્સ જારી કરી રહી છું. સમગ્ર સત્ય બહાર આવવું જોઈએ. આ સાથે તેણે નવા વર્ષને લઈને દિલ્હી પોલીસની તૈયારીઓ પર પણ સવાલ ઉઠાવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here