આસામ અને મિઝોરમમાં રૂ.400 કરોડના ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ

0
77
કસ્ટમ વિભાગ અને આસામ રાઈફલ્સની કાર્યવાહી 
મ્યાંમારમાંથી મંગાવવામાં આવેલી રૂ.૩૯૦.૪૦ કરોડની ૩૯ લાખ પ્રતિબંધિત ટેબલેટ મિઝોરમના મકાનમાંથી ઝડપાઈ  

આસામ અને મિઝોરમમાં સુરક્ષા એજન્સીઓને ડ્રગ્સ વિરોધી અભિયાનમાં મોટી સફળતા મળી છે. અહીં, આસામની સુરક્ષા એજન્સીઓએ રૂપિયા ૪૦૦ કરોડના ડ્રગ્સ સાથે ત્રણ લોકોની ધરપકડ કરી છે. આસામ રાઈફલ્સના અધિકારીઓએ આ જાણકારી આપી હતી. પૂર્વી મિઝોરમમાં મ્યાનમાર સરહદ પાસે આવેલા ચામ્પાઈ શહેરમાં આવેલા એક મકાનમાંથી નશાની ૩૯ લાખ ટેબલેટો જપ્ત કરવામાં આવી છે. જેની બજાર કિંમત રૂપિયા ૩૯૦.૪૦ કરોડ હોવાનું માનવામાં આવી રહ્યું છે.   

મિઝોરમ અને આસામમાં ડ્રગ્સ વિરોધી અભિયાનની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મિઝોરમમાં રૂપિયા ૩૯૦.૪૦ કરોડની ડીકોન્જેસ્ટન્ટ અને એન્ટિહિસ્ટેમાઈન દવાઓની ૩૯ લાખ ટેબલેટો જપ્ત કરાઈ છે. જ્યારે, આસામના કરીમગંજ જિલ્લામાંથી એક ગાડીમાંથી કુલ રૂપિયા ૧૨ કરોડનું હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આસામ રાઈફલ્સ અને કસ્ટમ ડિપાર્ટમેન્ટે મિઝોરમમાં દરોડા પાડયા હતાં. 

કસ્ટમ ડિપાર્ટમેન્ટ સાથે કાર્યવાહી કરનાર આસામ રાઈફલ્સે નિવેદન આપીને જણાવ્યું છે કે, ટેબલેટોને મેથમ્ફેટામાઈનથી ભરવા માટે તેને આઈઝોલથી મ્યાનમાર પહોંચાડવામાં આવતી હતી. ત્યારબાદ, તેને ફરી ભારતમાં ઘુસાડવામાં આવતી હતી. આ પ્રતિબંધિત ટેબલેટો સાથે ચામ્પાઈ શહેરના રુઆતલાંગ વિસ્તારમાંથી ૪૧ વર્ષીય વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે. એક રિપોર્ટ મુજબ, આસામ રાઈફલ્સ અને કસ્ટમ વિભાગે ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરી હતી. 

આ સાથે જ આસામ પોલીસે પાડોશી રાજ્ય મિઝોરમમાંથી આવી રહેલા એક વાહનની તપાસ કરતા તેમને ૧૨૧ સાબુના બોક્સમાં રાખેલું ૧.૫ કિલોગ્રામ હેરોઈન મળી આવ્યું હતું. પોલીસે આ કાર્યવાહીમાં બે વ્યકિતઓની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, આસામ પોલીસે છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ વિરોધી અભિયાનની શરૂઆત કરી છે. આ સાથે જ તેમણે અનેક વ્યકિતઓની ધરપકડ કરી છે. ઘણા સમયથી પાડોશી રાજ્યોમાંથી આસામમાં ઠલવાતા ડ્રગ્સને સાબુના બોક્સમાં છૂપાવવાની મોડસ ઓપરેન્ડી ચલાવવામાં આવી રહી છે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here