ગર્લફ્રેન્ડની હત્યા બાદ 35 ટૂકડાં કરી દરરોજ જંગલમાં ફેંકતો : કંપારી છૂટે તેવી ક્રૂરતા

0
77
ઠંડા કલેજે ગર્લફ્રેન્ડનું મર્ડર કરનારા આફતાબે પોલીસ સમક્ષ કબૂલ્યું: 'યસ, આઈ કિલ્ડ શ્રદ્ધા'
મુંબઈમાં કોલ સેન્ટરમાં કામ કરતા આફતાબ સાથે શ્રદ્ધાને પ્રેમ થયો, ધર્મ અલગ હોવાથી પરિવારે વિરોધ કરતાં બંને દિલ્હી લિવ ઈનમાં રહેવા લાગ્યા , છ મહિને હત્યાનો ભાંડો ફૂટયો

નવી દિલ્હી : કોઈ ક્રાઈમ થ્રિલર વેબસીરિઝનો પ્લોટ હોય એવી કાળજું કંપાવી નાખતી મર્ડરની ઘટના નવીદિલ્હીમાં બની હતી. આફતાબ નામના યુવાન સાથે કોલ સેન્ટરમાં કામ કરતી યુવતી શ્રદ્ધાને પ્રેમ થઈ જાય છે. બંનેના ધર્મ અલગ હોવાથી શ્રદ્ધાનો પરિવાર બંનેના સંબંધનો વિરોધ કરે છે એટલે લગ્નની લાલચ આપીને આફતાબ શ્રદ્ધાને દિલ્હી લઈને આવી જાય છે. લિવ ઈનમાં રહેવા લાગે છે. યુવતી લગ્ન કરવા વારંવાર બોયફ્રેન્ડને મનાવે છે અને એક દિવસ બોયફ્રેન્ડ ગળું ઘોંટીને ગર્લફ્રેન્ડની હત્યા કરી નાખે છે. ઠંડાકલેજે ગર્લફ્રેન્ડના મૃતદેહના ૩૫ ટૂકડા કરી નાખે છે અને દરરોજ એક એક ટૂકડો જંગલમાં રઝળતો મૂકી દે છે…. આ ધુ્રજાવી દેનારી સત્યઘટના સ્ટોરી છે દિલ્હીના શ્રદ્ધામર્ડર કેસની…મુંબઈમાં રહેતી ૨૬ વર્ષની યુવતી શ્રદ્ધા વૉકર અને ૨૮ વર્ષના આફતાબ અમીન પુનાવાલા મુંબઈના એક કોલ સેન્ટરમાં સાથે કામ કરતાં હતાં. બંને વચ્ચે થોડાં પરિચય પછી દોસ્તી થઈ અને દોસ્તી પછી પ્રેમ પણ થયો. શ્રદ્ધાના પ્રેમમાં આફતાબનો ધર્મ વચ્ચે ન આવ્યો. એણે દિલ ખોલીને આફતાબને પ્રેમ કર્યો હતો. એટલું જ નહીં, પ્રેમની જાણ પરિવારને પણ કરી દીધી. શ્રદ્ધાના પરિવારે આફતાબનો ધર્મ અલગ હોવાથી સંબંધનો વિરોધ કર્યો. પરિવારના વિરોધ વચ્ચે આફતાબે શ્રદ્ધાને લગ્નનો વાયદો આપ્યો અને દિલ્હી જઈને રહેવા મનાવી લીધી. મુંબઈ છોડીને બંને દિલ્હી આવી ગયા. થોડાં દિવસ દિલ્હીની હોટેલોમાં રહ્યા બાદ આખરે બંનેએ ફ્લેટ ભાડે લીધો અને લિવ ઈનમાં રહેવા લાગ્યાં. શ્રદ્ધાને તેના પ્રેમમાં શ્રદ્ધા હતી. આફતાબે તેને થોડા સમયમાં બધી વ્યવસ્થા થઈ જાય પછી લગ્ન કરી લેવાનો વાયદો કર્યો હતો. થોડા મહિના  વીત્યા પછી પણ આફતાબ લગ્ન માટે તૈયાર ન થયો. એ મુદ્દે બંને વચ્ચે દલીલો થવા માંડી. આફતાબ લગ્નની વાતને ટાળવા લાગ્યો, શ્રદ્ધા તેના પર લગ્ન માટે દબાણ કરતી હતી. પરિવારને મૂકીને દિલ્હી આવી ગયેલી શ્રદ્ધા આફતાબ સાથે લગ્ન કરીને સુરક્ષિત થવા ઈચ્છતી હતી, પણ આફતાબ લગ્ન કરવા માંગતો ન હતો. આફતાબે શ્રદ્ધાનો કાયમી ઉકેલ શોધી લીધો.  ૧૮મી મે ૨૦૨૨ના દિવસે શ્રદ્ધા-આફતાબ વચ્ચે લગ્નને લઈને દલીલો થઈ. આફતાબે મોકો જોઈને શ્રદ્ધાનું ગળું ઘોંટી દીધું. બેડમાં તરફડિયા મારીને શ્રદ્ધાએ દમ તોડી દીધો પછી ઠંડાકલેજે આફતાબે શ્રદ્ધાની લાશના નિકાલની વ્યવસ્થા કરવા માંડી. પહેલાં તો આ નરાધમે આરીથી શ્રદ્ધાની લાશના ટૂકડાં કરવાનું શરૂ કર્યું. એક હાથના ત્રણ એમ બે હાથના છ ટૂકડા કર્યાં. એ જ રીતે પગલાં ત્રણ એમ બંને પગના છ ટૂકડા કર્યાં. એમ લાશના કુલ ૩૫ ટૂકડા કરી નાખ્યાં. અગાઉ શેફની તાલીમ લેનારા આફતાબને ટૂકડાં કરવાનું ફાવતું હતું. તેણે એવી રીતે લાશના ટૂકડા કરીને પછી ફ્લેટ આખો અગરબત્તી અને રૂમ ફ્રેશનરથી મહેકાવી દીધો. પાડોશીઓને મૃતદેહની દૂર્ગંધ ન આવે એની વ્યવસ્થા કર્યા બાદ તેણે લોકલ માર્કેટમાંથી ૨૫ હજાર રૂપિયાનું ૩૦૦ લિટરની ક્ષમતા ધરાવતું એક ફ્રિજ ખરીદ્યું અને એમાં મૃતદેહના બધા જ ટૂકડા મૂકી દીધા. એ પછી મૃતદેહને ઠેકાણે પાડવાનો બીજો તબક્કો શરૂ કર્યો. આફતાબ દરરોજ ખૂબ જ સંભાળપૂર્વક એક ટૂકડો સાચવીને બેગમાં મૂકતો અને મધરાતે ચૂપકીદીથી મહરોલીના જંગલમાં ફેંકી દેતો. આવું લગભગ ૧૫-૧૭ દિવસ સુધી ચાલ્યું. દિલ્હીના અલગ અલગ સ્થળોમાં આ નરાધમે શ્રદ્ધાની લાશના ટૂકડાં વેરી દીધા. એને પાક્કો ભરોસો હતો કે કોઈ આ હત્યાકાંડની વિગતો મેળવી શકશે નહીં. એ માનતો હતો કે મૃતદેહના એવી રીતે ટૂકડા કરીને અલગ અલગ સ્થળોએ ફેંક્યા છે એ પછી મર્ડરની મિસ્ટ્રી ઉકેલવાનું લગભગ અશક્ય હતું. દરરોજ આ નરાધમ એ જ રૂમમાં સૂતો હતો જ્યાં તેણે શ્રદ્ધાનું મર્ડર કર્યું હતું અને તેની લાશના ટૂકડા કર્યા હતા. બહાર તેની તમામ વર્તણૂંક એકદમ સાધારણ હતી કે કોઈને તેના પર શંકા પડે એવી શક્યતા જ ન હતી. બીજી તરફ શ્રદ્ધાનો પરિવાર તેના સંપર્કમાં ન હતો, પરંતુ તેના પિતા શ્રદ્ધાના સોશિયલ મીડિયાના માધ્યમથી તેની ભાળ રાખતા હતા. છએક મહિના સુધી શ્રદ્ધાના કોઈ અપડેટ ન જણાતા એ દિલ્હી આવ્યાં. તેના પિતા શ્રદ્ધાના દોસ્તો પાસેથી વિગતો મેળવીને શ્રદ્ધા જ્યાં છેલ્લે રહેતી હતી ત્યાં સુધી આવ્યા, પણ ફ્લેટ બંધ હતો. શ્રદ્ધાની કોઈ ભાળ મળી નહીં. ફ્રેન્ડસર્કલમાંથી પણ કોઈને જાણ ન હતી. કંઈક અજૂગતું બની ગયાનું લાગતા પિતાએ પોલીસમાં શ્રદ્ધાના ગુમ થયાની ફરિયાદ કરી. ફરિયાદના આધારે પોલીસે આફતાબની તપાસ કરી પણ એ મળ્યો નહીં. તેનું ડિજિટલ પગેરું દાબીને પોલીસે તેને આખરે તેને દબોચી લીધો. પોલીસે પૂછપરછ કરી તો શરૂઆતમાં આફતાબે ખાસ જવાબો આપ્યા નહીં, પરંતુ પોલીસની આગવી આકરી પૂછપરછમાં આફતાબે એવા જ ઠંડાકલેજે કબૂલ્યું: યસ, આઈ કિલ્ડ હર. પોલીસે તેની કબૂલાતના આધારે રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે. આ નરાધમે જે સ્થળે શ્રદ્ધાની લાશના ટૂકડાં ફેંક્યા હતા ત્યાંથી પોલીસને કેટલાક હાડકાના પુરાવા મળ્યા છે. મર્ડરમાં વપરાયેલા હથિયાર, બેગ સહિતના પુરાવા એકઠાં કરવાની કવાયત પોલીસે આદરી છે. આ મર્ડરમાં અન્ય કોઈની સંડોવણી છે કે આફતાબે એકલાહાથે જ અંજામ આપ્યો છે તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. શ્રદ્ધાના મૃતદેહનો નિકાલ કરવા માટે આફતાબે આયોજન કર્યું હતું. એ ડેક્સટર નામની વેબસીરિઝ જોતો હતો. એમાં હત્યા પછી મૃતદેહના નિકાલની જે તરકીબ કરાઈ હતી એમાંથી શીખીને તેણે શ્રદ્ધાની હત્યાનું ષડયંત્ર ઘડી કાઢ્યું. વેબસીરીઝમાં બતાવ્યા પ્રમાણે એણે પહેલા શ્રદ્ધાની હત્યા કરી હતી અને પછી ટૂકડા કરીને ફ્રીજમાં સાચવ્યા બાદ એક પછી એક ટૂકડાં જંગલમાં ફેંક્યા હતા. બોયફ્રેન્ડની લગ્નની લાલચમાં આવી ગયેલી શ્રદ્ધાએ તેના માતા-પિતાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું: ‘હું મારા નિર્ણયો જાતે લઈ શકું છું. હું સ્વતંત્ર છું અને મારે તમારા ઓપિનિયરની જરૂર નથી’. શ્રદ્ધાના પિતા વિકાસ વૉકરે ભાંગી પડતાં પોલીસ સમક્ષ કહ્યું હતું કે મેં મારી દીકરીને ઘણું સમજાવી હતી, પણ એ માની ન હતી. જો મારી વાત માની લીધી હોત તો આજે મારી દીકરી જીવતી હતી. તેનો આવો હૃદય કંપાવી દેતો અંજામ ન આવ્યો હોત. શ્રદ્ધાના પિતાના કહેવા પ્રમાણે એ ૨૦૧૯થી આફતાફના પ્રેમમાં હતી. એ બંનેના ૧૮ મહિનાના સંબંધો પછી ઘરમાં એની જાણ થઈ હતી. એ આફતાબ સાથે લગ્ન કરવા મક્કમ હતી. શ્રદ્ધાના પિતાએ ધુ્રસકે ધુ્રસકે રડતાં પોલીસને કહ્યું હતું કે ઘરમાં ઝઘડો કરીને શ્રદ્ધા આફતાબ સાથે લગ્ન કરવા મક્કમ બનીને ઘરમાંથી જતી હતી ત્યારે એણે કહ્યું હતું: આજથી હું તમારી દીકરી નથી. મારો સંપર્ક કરવાની કોશિશ ન કરતાં. જોકે, થોડાં સમય પછી શ્રદ્ધા તેની મમ્મી સાથે સંપર્કમાં આવી હતી. આફતાબ સાથે ઝઘડા થતા હોવાનું પણ કહેતી હતી ને આફતાબ મારપીટ કરે છે એવું કહેતી હતી, પરંતુ એ વાત પિતાને કહેવાની મનાઈ કરતી હતી. તેની મમ્મીએ આફતાબને છોડીને ઘરે આવી જવા મનાવી હતી, પરંતુ એ આફતાબને છોડીને આવવા તૈયાર ન હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here