રાજ્યની પ્રથમ એસિડ-એટેક પીડિતાની કહાણી: 27 સર્જરી બાદ એક આંખ ખૂલી, હવે બીજાના રક્ષણ માટે અધિકારી બનવા ફરી અભ્યાસ શરૂ કર્યો

0
404
રાજ્યના પ્રથમ એસિડ-એટેકનો ભોગ બનેલી મહેસાણાની કાજલ પ્રજાપતિની હિંમત રંગ લાવી
રાજ્યના પ્રથમ એસિડ-એટેકનો ભોગ બનેલી મહેસાણાની કાજલ પ્રજાપતિની હિંમત રંગ લાવી

એસિડ-એટેકનો ભોગ બનેલી મહેસાણાની કાજલ મહેન્દ્રભાઇ પ્રજાપતિ (23)નો હિંમત અને જુસ્સાભર્યો ચહેરો સામે આવ્યો છે. આજથી પોણા 6 વર્ષ પૂર્વે એકતરફી આકર્ષણમાં એક યુવકે કોલેજની બહાર એસિડ ફેંકી તેનો ચહેરો બગાડી નાખ્યો હતો. દીકરીની આવી હાલત જોઇ એક તબક્કે પરિવાર સાવ હતાશ થઈ ગયો હતો, પરંતુ કાજલની હિંમત હવે રંગ લાવી રહી છે. અત્યારસુધી ચહેરા અને આંખની નાની-મોટી 27 જેટલી સર્જરી થઇ ચૂકી છે. 6 મહિના પહેલાં ઓપરેશન બાદ તેની ડાબી આંખ થોડી ખૂલવા લાગી છે, જેને લઇ તે હવે લખી-વાંચી શકે છે.ભણવાની ઇચ્છાશક્તિને લઇ નાગલપુર કોલેજમાં કોમર્સમાં ફરી પ્રવેશ અભ્યાસ શરૂ કર્યો છે. કાજલે જણાવ્યું હતું કે મારી ઈચ્છા ભણી-ગણીને પોલીસ ઓફિસર બનવાની હતી, પરંતુ આ સ્થિતિમાં હવે પોલીસ તો નહીં બની શકું, પરંતુ મારા જેવી બીજી છોકરીઓનું રક્ષણ કરી શકું તેવા અધિકારી બનવાની છે.કાજલ મહેસાણાને અડીને આવેલા રામોસણા ગામમાં રહે છે. પિતા રિક્ષા ચલાવે છે અને માતા ઘરકામ બાદ મજૂરી કરી પરિવારને મદદરૂપ બને છે. દીકરીની સારવાર પાછળ અત્યારસુધીમાં રૂ.15થી 17 લાખનો ખર્ચ થઇ ચૂક્યો હોઇ પરિવાર આર્થિક રીતે ઘસાઈ ચૂક્યો છે.

ઘટના શું હતી?
રાજ્યમાં બનેલી એસિડ-એટેકની આ પહેલી ઘટના હતી. 1લી ફેબ્રુઆરી 2016ના દિવસે વડનગરના શેખપુરના હાર્દિક પ્રજાપતિ નામના એક યુવકે એકતરફી આકર્ષણમાં મહેસાણાની નાગલપુર કોલેજની બહાર આવી રહેલી કાજલના ચહેરા ઉપર તું મારી નહીં તો કોઈની નહીં થવા દઉં એમ કહી એસિડ ફેંક્યો હતો, જેમાં તેનો આખો ચહેરો બળી ગયો હતો. બાદમાં એસિડ એટેક કરનાર યુવકને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી.

સરકાર અમારી દીકરીને સરકારી નોકરી આપે: માતા
કાજલની માતા ચંદ્રિકાબેન કહે છે, તેની સારવાર પાછળ ખૂબ ખર્ચો થયો. સરકાર તરફથી થોડી સહાય મળી હતી. જે-તે સમયે સરકારી નોકરીનું કહ્યું હતું. કોણે કહ્યું હતું એ ખબર નથી, પણ તેને કોઇની સામે હાથ લંબાવો ન પડે એ માટે સરકાર તેને સરકારી નોકરી આપે તો સારું. હવે તે એક આંખે જોઈ શકે છે. તે ભણવામાં હોશિયાર છે. ધો.12માં 65 ટકા આવ્યા હતા. તેને આગળ ભણવાની ઈચ્છા છે. અમે મજૂરી કરીને પણ તેને જ્યાં સુધી ભણવું હશે ત્યાં સુધી ભણાવીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here