ખુદ્દારીની વાત:પતિના મોત પછી અથાણાં અને સ્નેક્સ વેચીને ચલાવતા હતા ગુજરાન; પછી તેમનો જ બિઝનેસ શરૂ કર્યો, હવે 5 લાખ છે વાર્ષિક ટર્નઓવર

0
195
આસામના દિપાલી અને તેમની પુત્રી સુદિત્રી મળીને અથાણાંનો બિઝનેસ ચલાવી રહ્યા છે. બંને મળીને બે ડઝનથી વધુ પ્રોડક્ટ્સ તૈયાર કરે છે.
આસામના દિપાલી અને તેમની પુત્રી સુદિત્રી મળીને અથાણાંનો બિઝનેસ ચલાવી રહ્યા છે. બંને મળીને બે ડઝનથી વધુ પ્રોડક્ટ્સ તૈયાર કરે છે.

દિપાલી ભટ્ટાચાર્ય આસામના જોરહાટ જિલ્લાના રહેવાસી છે. ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂરો કર્યા પછી 1990માં તેમના લગ્ન થયા અને તેઓ ગુવાહાટી આવી ગયા. પતિ એક પ્રાઈવેટ સ્કૂલમાં ટીચર હતા. દિપાલી દહીંવડા, અથાણાં અને અમુક સ્નેક્સ તૈયાર કરીને માર્કેટમાં સપ્લાઈ કરતા હતા. જેથી પતિ પર વધુ આર્થિક બોજ ન રહે. આ રીતે તેમની ગૃહસ્થી ધીમે ધીમે આગળ ચાલી રહી હતી. પરંતુ, ત્યારે 2003માં હાર્ટએટેકથી તેમના પતિનું નિધન થઈ ગયું. દિપાલી માટે આ કોઈ સેટબેકથી ઓછી ઘટના નહોતી. તેઓ એકલા પડી ગયા. ઘરમાં હવે કોઈ કમાનાર પણ નહોતું. ઉપરથી 9 વર્ષની પુત્રી અને એક વૃદ્ધ સાસુની દેખરેખની જવાબદારી પણ તેમના પર આવી પડી. થોડા મહિના સુધી દિપાલી નિરાશાના સમયમાંથી પસાર થયા. પછી તેમણે નક્કી કર્યુ કે પુત્રીના ભવિષ્ય માટે તેમણે કંઈકને કંઈક કામ કરવું પડશે. તેઓ અગાઉથી જ દહીંવડા, સ્નેક્સ અને અથાણાં જેવી પ્રોડક્ટ બનાવતા જ હતા એટલે તેમણે આ જ કામને આગળ વધારવા આયોજન કર્યુ. તેઓ ઘરના કામની સાથે સમય કાઢીને પ્રોડક્ટ તૈયાર કરતા અને માર્કેટમાં સપ્લાઈ કરતા હતા. અનેકવાર દુકાનદારો મજબૂરી સમજીને ઓછા પૈસામાં જ પ્રોડક્ટ ખરીદી લેતા હતા તો ક્યારેક તેમની ચીજો લેવાનો ઈનકાર પણ કરી દેતા હતા. દિપાલીની પાસે કોઈ અન્ય વિકલ્પ નહોતો. 50 વર્ષીય દિપાલી કહે છે કે તેઓ શહેરમાં આયોજિત થતી ફૂડ કોમ્પિટિશનમાં ભાગ લેતા હતા અને ઈનામ પણ જીતતા હતા. ઈનામમાં મળેલા પૈસા પુત્રીના અભ્યાસ માટે ખર્ચ કરતા હતા. 2005માં નારિયેળ વિકાસ બોર્ડે કુકિંગની એક કોમ્પિટિશન આયોજિત કરી હતી. જેના માટે દિપાલીએ પોતાની પ્રોડક્ટ મોકલી અને તેમની પસંદગી પણ થઈ ગઈ. તેના પછી દિપાલી ટ્રેનિંગ માટે કોચિન આવ્યા, જ્યાં તેઓ 10 દિવસ રહ્યા અને નારિયેળની મિઠાઈ, જામ, ટોફી, કેક, આઈસક્રિમ અને અથાણાં બનાવવાનું શીખ્યા. કોચિનથી પરત આવ્યા પછી તેમણે ઘરે જ આ તમામ પ્રોડક્ટ તૈયાર કરીને માર્કેટમાં વેચવાનું શરૂ કર્યુ.દિપાલી કહે છે કે શરૂઆતમાં હું અથાણાંની સાથે હું ટોસ્ટ પીઠા કે જે આસામની એક પારંપરિક વ્યંજન છે, તે તૈયાર કરીને પડોશીઓ અને સંબંધીઓને વેચતી હતી. તેઓ મારી પ્રોડક્ટની પ્રશંસા કરતા હતા અને બીજાને પણ ખરીદવા માટે કહેતા હતા. તેના પછી મેં લોકલ માર્કેટમાં પણ સપ્લાઈ કરવાનું શરૂ કર્યુ. તેનાથી સારી આવક થવા લાગી. ટૂંક સમયમાં જ તેમણે બનાવેલા અથાણાં, તેમના સ્ટાર્ટ અપનું મુખ્ય આકર્ષણ બની ગયા. લસણ, મેથીના દાણા, આંબલી, કેરી, ભટ જોલોકિયા, ચિકન અને માછલીના અથાણાંની ડિમાંડ થવા લાગી. તેના પછી તેમણે પ્રકૃતિ નામથી ખુદની બ્રાંડ બનાવી. દિપાલી અત્યારે બે ડઝનથી વધુ અથાણાંની પ્રોડક્ટ્સ તૈયાર કરીને માર્કેટમાં સપ્લાઈ કરે છે. કાચી હળદર અને નારિયેળના અથાણાં તેમની સ્પેશિયલ બ્રાંડ છે. દિપાલી લોકલ ખેડૂતો પાસેથી તેમની પ્રોડક્ટ ખરીદે છે અને તેનાથી પોતાની પ્રોડક્ટ ખરીદે છે. તેઓ પોતાના પ્રોડક્ટનું પેકેજિંગ અને બ્રાંડિંગ ખુદ જ કરે છે. આ કામમાં તેમણે આસપાસની કેટલીક મહિલાઓ સહિત એક ડઝન લોકોને રોજગારી પણ અપાવી છે. એક વર્ષ અગાઉ જ તેમણે ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ પોતાની પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે. આ સાથે જ તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ કરે છે. આસામની સાથે સાથે દિલ્હી, મુંબઈ સહિત અનેક મોટા શહેરોમાં તેમની પ્રોડક્ટની ડિમાંડ છે. દર મહિને 200થી વધુ ઓર્ડર આવી રહ્યા છે. આનાથી વર્ષે 5 લાખની કમાણી થઈ રહી છે. દિપાલીની પુત્રી સુદિત્રીએ એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો છે. તેણે એક મલ્ટીનેશનલ કંપનીમાં બે વર્ષ કામ પણ કર્યુ. પરંતુ, હવે તે પોતાની માતાના બિઝનેસમાં જોડાઈ ગઈ છે. તે સમગ્ર માર્કેટિંગ અને ઓનલાઈન ડિલિવરીનું કામ જૂએ છે. સુદિત્રી કહે છે કે મારી માતાએ પરિવાર ચલાવવા માટે ખૂબ મુશ્કેલીઓ વેઠી છે. એકલા જ તેમણે બિઝનેસ આગળ વધાર્યો છે. હવે જ્યારે હું મોટી થઈ ગઈ છું તો મારે તેમની મદદ કરવી જોઈએ. આથી હું તેમની સાથે હવે કામ કરી રહી છું અને તેમાં મને રસ પણ પડી રહ્યો છે. આ એક એવો બિઝનેસ છે જેમાં ઓછો ખર્ચ છે અને નફો વધુ. ખાસ વાત એ છે કે તમે તેને ઘરે બેઠા પણ શરૂ કરી શકો છો. તેના માટે સૌથી જરૂરી છે અથાણાં બનાવવાની રીત કે રેસિપીની જાણકારી હોવી. એક સારી રેસિપી જ ગ્રાહકને તમારા અથાણાં ખરીદવા માટે આકર્ષી શકે છે. આજકાલ નાના નાના શહેરોમાં તેની ટ્રેનિંગ આપવામાં આવે છે. આ સાથે જ યુટ્યુબની મદદથી પણ જાણકારી હાંસલ કરી શકાય છે. આનો બિઝનેસ શરૂ કરતા પહેલા તમે તમારૂં અથાણું તમારા મિત્રો, સંબંધીઓ અને મહોલ્લાના લોકોને ટેસ્ટ કરાવો, તેમના ફિડબેક પછી તમે તમારી રેસિપીને વધુ સારી કરી શકો છો. તેનાથી એ પણ ખ્યાલ આવશે કે કયું અથાણું સૌથી વધુ પસંદ કરવામાં આવી રહ્યું છે અને કયા અથાણાંની ડિમાંડ લોકોમાં વધુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here