ચીને તાઇવાન તરફ 25 યુદ્ધ વિમાનો અને ત્રણ યુદ્ધ જહાજો રવાના કર્યા

0
57
– તાઇવાને પણ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ્સ સક્રિય કરી
– ચીન તાઇવાનને હતોત્સાહ કરવા માટે રોજ આવા અખતરાં કર્યાં કરે છે 

તાઇપેઇ : ચીને તાઇવાન ટાપુ ભણી ૨૫ લડાયક વિમાનો અને ત્રણ યુદ્ધ જહાજો બુધવારે સવારે રવાના કર્યા હોવાનો તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો. મંત્રાલયે જણાવ્યું હતું કે ૨૫માંથી ૧૯ વિમાનો તાઇવાનના એર ડિફેન્સ આઇડેન્ટિફિકેશન ઝોનને પાર કરી ગયા હતા જ્યારે યુદ્ધ જહાજો તાઇવાનની સમુદ્રધુનિમાં ચાલી રહ્યા છે. તાઇવાને પણ પ્રતિભાવમાં વિમાનો અને જહાજો રવાના કર્યા છે. સ્થિતિ પર બારીક નજર રાખીને પ્રતિભાવ આપવા માટે તાઇવાને તેની કોસ્ટલ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ્સ પણ સક્રિય કરી હોવાનો દાવો કર્યો હતો. 

ચીન દ્વારા આ પ્રકારના અખતરાં ગ્રે ઝોન ટેક્ટિકના ભાગરૂપે રોજ કરવામાં આવે છે. આ પ્રકારના પગલાંનો હેતુ તાઇવાનને ડરાવવાનો તથા તેની શસ્ત્ર સામગ્રીને ઘસારો પહોંચાડવાનો અને લોકોને હતોત્સાહ કરવાનો હોય છે. તાઇવાને પણ ચીનની આ સતત ઉશ્કેરણીના જવાબમાં યુએસ પાસેથી એફ-૧૬ વિમાનોનો કાફલો તથા બીજા ૬૬ વિમાનો ખરીદીને આપ્યો છે. તાઇવાને તમામ પુરૂષો માટે ફરજિયાત મિલિટરી સર્વિસની મુદત ચાર મહિનાથી વધારીને એક વર્ષ કરી નાંખી છે. તાઇવાનને કારણે ચીન અને યુએસ વચ્ચે પણ સંબંધો તંગ બનેલાં છે. ચીનનો દાવો છે કે તાઇવાન તેનો પ્રદેશ છે અને જરૂર પડે તે બળપ્રયોગ કરીને પણ તેને પોતાની હુકુમત હેઠળ લાવશે. આને માટે કોઇપણ પડકારને પહોંચી વળવા માટે તે તેની લશ્કરી તાકાતને વધારી રહ્યું છે. 

ગયા મહિને યુએસના ઇસ્ટ કોસ્ટ પર ચીની જાસૂસી બલૂનને તોડી પાડવામાં આવ્યા બાદ ચીન અને યુએસ વચ્ચે સબંધો તંગ બનવાને પગલે યુએસના વિદેશ મંત્રી એન્થોની બ્લિન્કેને બિજિંગની મુલાકાત રદ કરી હતી. બુધવારે ચીને લશ્કરી તાકાતનું જે પ્રદર્શન કર્યું તે ઓગસ્ટ ૨૦૨૧માં યુએસના સ્પિકર નેન્સી પેલોસીની મુલાકાત ટાણે કરેલા શક્તિપ્રદર્શનની સરખામણીમાં મામૂલી છે. એ સમયે ચીને તાઇવાન ભણી૧૪૯  લડાયક વિમાનો મોકલ્યા હતા અને મિસાઇલ પણ છોડી હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here